(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૯
રાજ્યસભાની ચૂંટણીમાં તમે લોકોએ વફાદારીનું પ્રમાણ આપી લોભ લાલચની અને પોતાના પરિવારની સલામતીની ચિંતા કર્યા વિના પરિવારથી દૂર રહી મને જીતાડવામાં જે સહયોગ આપ્યો છે, ત્યારે હું પણ તમને ખાતરી આપું છું કે, તમામ ૪૩ ધારાસભ્યોને જીતાડવાની જવાબદારી હવે મારી છે. એમ આજરોજ ગાંધીનગર ખાતે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલે તેમના ૪૩ ધારાસભ્યોનો તેમને જીતાડવા બદલ આભાર વ્યક્ત કરતા ઉપર મુજબ જણાવ્યું હતું.
અહમદભાઈ પટેલે ધારાસભ્યોને વધુમાં જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસ પક્ષને નવું જ બળ પૂરૂં પાડ્યું છે અને નવા જ જોમ અને જુસ્સા સાથે આપણે વિધાનસભાની ચૂંટણીમાં લાભ લેવાનો છે અને મને આશા છે કે ગુજરાતની જનતાનો પ્રેમ અને જનમત આપણને જ મળશે. તમામ ૪૩ ધારાસભ્યોને ધરપત આપતા તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં તમને જીતાડવાની જવાબદારી હવે મારી છે. તમારા કોઈનો બાયોડેટા માગવામાં નહીં આવે.
ધારાસભ્યોની ખુશીને બેવડાવતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તમારી તિરૂપતિ બાલાજીના દર્શનાર્થે જવાની ઈચ્છા હતી તે હવે પૂર્ણ કરવામાં આવશે અને તમામ ધારાસભ્યોને પરિવાર સાથે તિરૂપતિ બાલાજીના દર્શનાર્થે લઈ જવામાં આવશે. આ ઉપરાંત જીતની ખુશીમાં તમામ ધારાસભ્યોને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને મળવા પણ લઈ જવાશે. આ ઉપરાંત તમામને મારા ખર્ચે ભોજન પણ કરાવવામાં આવશે. દરમિયાન કોંગ્રેસમાંથી આઠ બળવાખોર ધારાસભ્યોને છ વર્ષ માટે બરતરફ કરવાની શિક્ષાત્મક કાર્યવાહી બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, શંકરસિંહ સહિતના તમામ આઠ બળવાખોર ધારાસભ્યોએ પક્ષના વ્હીપનો અનાદર કરી ક્રોસ વોટીંગ કર્યું હતું. આ પ્રકારની ગંભીર ગેરશિસ્ત પક્ષમાં સાંખી શકાય નહી અને તેથી શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે તેઓને બરતરફ કરવામાં આવ્યા છે. ક્રોસવોટીંગ કરનાર આઠ ધારાસભ્યો સિવાય અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર ધારાસભ્યો વિરૂધ્ધ પણ ટૂંક સમયમાં પગલા લેવાશે. તેમણે ભાજપના વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ પ્લસ બેઠકો મેળવવાના દાવાને ફગાવતાં જણાવ્યું હતું કે, રાજયસભાની આ ચૂંટણીમાં ભાજપે જે પ્રકારે સત્તા અને પૈસા ઉપરાંત સામ, દામ, દંડ અને ભેદની નીતિ અખત્યાર કરી હીન રાજનીતિ રમી છે તે ગુજરાતની જનતા જાણી ગઇ છે અને ગુજરાતની જનતા વિધાનસભા ચૂંટણીમાં તેનો ભાજપને જોરદાર જવાબ આપશે. એહમદ પટેલની જીતના કારણે કોંંગ્રેસનું નૈતિક મનોબળ ઉંચુ આવ્યું છે અને કાર્યકરોથી માંડી નેતાઓ સહિત સૌકોઇનો જુસ્સો વધ્યો છે. કોંગ્રેસ વધુ આક્રમક અને જુસ્સા સાથે વિધાનસભા ચૂંટણીમાં પ્રજામત મેળવશે.