ચેન્નાઇ, તા. ૫
ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કગઝમની સત્તાધારી છાવણીએ મંગળવારે ૧૧૧ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો અને ચેન્નાઇમાં મુખ્યમંત્રી પલાનીસામીને આ ધારાસભ્યો મળ્યા હતા. આ બેઠકમાં વધુ ધારાસભ્યો જોડાયા હતા જ્યારે ૨૮ ઓગસ્ટની બેઠકમાં ફક્ત ૭૫ ધારાસભ્યો જ જોડાયા હતા. તમિલનાડુના મત્સ્ય ઉદ્યોગ પ્રધાન ડી જયકુમારે જણાવ્યું હતું કે, સર્વસંમત ઠરાવે મુખ્યમંત્રી પલાનીસામીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જયકુમારે એવો પણ દાવો કર્યો હતો કે, એઆઇએડીએમકેના ગઠબંધનમાંથી પણ ત્રણ ધારાસભ્યોનું સમર્થન છે. જયકુમારે જણાવ્યું હતું કે, દિનાકરન જૂથના નવ ધારાસભ્યોએ પણ આ છાવણીને સમર્થન કરવા કહ્યું છે તેથી અમારી બહુમતી સાબિત થઇ ગઇ છે. દરમિયાન દિનાકરન જૂથે જયકુમારના દાવાને ફગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, બહાર કરાયેલા એઆઇએડીએમકેના નેતાના સમર્થનમાં હજુ પણ ૧૯ ધારાસભ્યો છે. એઆઇએડીએમકેની સામાન્ય સભાની ૧૨મી સપ્ટેમ્બરે યોજાનારી બેઠક પહેલા આ બેઠક યોજાઇ હતી. દિનાકરન જૂથના થાંગા તમિલ સેલ્વને પણ સામાન્ય સભાની બેઠકના દાવાને ફગાવી જણાવ્યું હતું કે, ફક્ત દિનાકરનને જ સામાન્ય સભા બેઠક બોલાવવાનો અધિકાર છે. તેઓએ લીધેલા તમામ નિર્ણયો ગેરકાયદે છે અને તેથી અસ્વીકાર્ય પણ છે. ઓ પનીરસેલ્વમ જૂથ સાથે જોડાણ બાદ પલાનીસામી છાવણીએ ૧૦મી ઓગસ્ટે દિનાકરનને એઆઇએડીએમકેના મહાસચિવ પદેથી હાંકી કાઢ્યા હતા. આ ઉપરાંત ૧૯ ધારાસભ્યોને પણ બહાર કરી દીધા હતા જેઓેએ તમિલનાડુવા રાજ્યપાલ સી વિદ્યસાગર રાવને મળીને ૨૨ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહ્યા હતા. દિનાકરને પલાનીસામીને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવાની માગ પણ રાજ્યપાલને કરી હતી.