મ્યુનિ.માં સિક્યુરિટી એજન્સી નિમવામાં ગેરરીતિ : ટેન્ડર વિના જ કોન્ટ્રાક્ટ અપાયા

અમદાવાદ, તા.૨૮
વી.એસ. હોસ્પિટલમાં બાઉન્સરો દ્વારા મીડિયા કર્મચારીઓને હોસ્પિટલમાં પ્રવેશવા ન દઈ ધક્કે ચડાવવાની ઘટના અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મ્યુનિ. કાઉન્સિલર બદરૂદ્દીન શેખએ વખોડી કાઢી મ્યુનિ. કમિશનરને સિક્યુરિટી એજન્સીઓના મામલે તપાસ કરાવી રેડફોક્સ જેવી ટેન્ડર વિનાની એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિ. કોર્પો. સંચાલિત મિલકતો અને હોસ્પિટલોમાં સિક્યુરિટી ગાર્ડ પુરા પાડવા માટે વર્ષ ૨૦૧૨માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા તેમાં (૧) શક્તિ સિક્યુરિટી, (ર) ડોક્સન સર્વિસ પ્રા.લિ., (૩) યુનિક ડેલ્ટા ફોર્સ સિક્યુરિટી પ્રા.લિ., (૪) શિવ સિક્યુરિટી સર્વિસ, (પ) ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફોર્સ, (૬) આસિમા લિ.ને એક હજારથી વધુ સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કંપનીઓને દર વર્ષે રૂા.૧૫ કરોડથી પણ વધુની રકમ ચૂકવવામાં આવે છે.ટેન્ડરની શરત મુજબ, દરેક ગાર્ડના બેંક ખાતા ખોલાવી પગાર ચૂકવવો, ૪૦ વર્ષથી વધુ વય ન હોવી જોઈએ, સિક્યુરિટી ગાર્ડ ફરજના સ્થળે ગણવેશમાં હોવો જોઈએ. સિક્યુરિટી ગાર્ડનો પીએફ જમા થવો જોઈએ. એવી શરત હતી પરંતુ આ એકેય શરતનો સિક્યુરિટી એજન્સીઓ પાલન જ કરતી નથી તા.૨૮/૧૦/૨૦૧૩ના રોજ મ્યુનિ. કોર્પોરેશનને ટેન્ડર બહાર પાડ્યું હતું. તેમાં કુલ ૧૧ સિક્યુરિટી એજન્સીએ ભાગ લીધો હતો. જે પૈકી ૭ એજન્સીઓ ક્વોલિફાઈડ કરવામાં આવી હતી ત્યાર બાદ આજ દિન સુધી ટેન્ડર પ્રક્રિયા જ આગળ વધારાઈ નથી. નવાઈની વાત એ છે કે, પાંચ વર્ષનો સમય વિત્યા છતાયે ટેન્ડર પ્રક્રિયા આગળ ધપાવ્યા વિના બારોબાર જ આ સાતેય સિક્યુરિટી એજન્સીઓને કોન્ટ્રાક્ટ ચાલુ રાખવામાં આવ્યા છે.સવાલ એ ઊભો થાય છે કે, જે સિક્યુરિટી એજન્સીએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો તે રેડ ફોક્સ સિક્યુરિટી એજન્સી આજે વી.એસ. હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ધરાવે છે. રેડ ફોક્સ કંપનીએ ટેન્ડર વિના બારોબાર ૧પ૦ બાઉન્સરો મૂકયા છે જે દર્દીઓના સગાઓથી માંડીને મીડિયાકર્મી સાથે વારંવાર અસભ્ય વર્તણૂક કરે છે તેવી ફરિયાદો ઉઠી છે. આ મુદ્દે મ્યુનિ. જનરલ બોર્ડમાં રજૂઆત પણ કરાઈ છે. ભાજપના મળતિયાઓની સિક્યુરિટી એજન્સીઓને ફાયદો કરાવી આપવા માટે જૂના ટેન્ડરથી જ બારોબાર કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. અનેકવાર ગેરરીતિઓ પડકાઈ હોવા છતાંય ભ્રષ્ટ સિક્યુરિટી એજન્સીઓને ચાલુ રાખવામાં આવી છે. થોડાક સમય પહેલાં જ સેન્ટ્રલ સ્ટોર્સમાંથી કરોડો રૂપિયાના પાણીના વાલ્વની ચોરી થઈ હતી. આવી તો અનેક ગેરરીતિઓ બહાર આવી છે તેમ છતાંય તેના પર ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks