અમદાવાદ,તા.૨૨
શહેરમાં સ્વાઇનફલૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખૂદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઇનફલૂથી ચાલુ મહિનાના ૧પ દિવસમાં ૧૦ દર્દીનાં મોત થયા છે. જ્યારે આજે એક વધુ દર્દીનું સ્વાઇનફલૂથી મોત થતાં તંત્રમાં દોડધામ થઇ છે.
બહેરામપુરાના નગમાનગરના ૩૦ વર્ષીય યુવક એજાઝ મોઈનુદ્દીન દીવાનને સ્વાઇનફલૂની સારવાર માટે ત્રણ દિવસ પહેલાં વી.એસ. હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સ્વાઇનફલૂની સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.
સ્વાઇનફલૂને હવેથી સિઝનલ ફલૂ તરીકે ગણવાની સૂચના રાજ્ય સરકારના હેલ્થ વિભાગ દ્વારા અપાઇ હોવાથી મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલે વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલ તેમજ રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફલૂના દર્દી માટેના અલાયદા વોર્ડ તૈયાર કરાયા છે.
દરમિયાન મ્યુનિસપિલ કાઉન્સિલર બદરૂદ્દીન શેખએ જણાવ્યું છે કે, વી.એસ. હોસ્પિટલ તંત્ર દ્વારા યુવાનનું સ્વાઈનફ્લૂથી મોત થયું હોવાનો ઈન્કાર કરાયો હતો જ્યારે મૃતક યુવાનના મૃતદેહને તેના પરિવારજનોને આપવાની ના પાડી બારોબાર દફનાવી દેવા દબાણ ઊભું કરાયું હતું. પરંતુ મૃતક યુવાનના પરિવારજનોએ મૃતદેહ આપવા જીદ જારી રાખતા તંત્રએ આ મૃતક યુવાનને બરાબર લપેટીને લાશ સોંપી હતી અને તેને નવડાવ્યા વિના આ જ હાલતમાં દફનાવી દેવા કડક સૂચના આપી હતી.