(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા. ૪
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં હાલ દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર તથા સ્ટેટ હાઈવેની સમાંતર બંને બાજુના કાચા-પાકા દબાણો દૂર કરી ટ્રાફિકની સમસ્યા હલ કરવા ધોળકા વહીવટી તંત્ર તથા ધોળકા નગરપાલિકા કટિબદ્ધ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધોળકામાં દબાણો તોડવાની પ્રક્રિયા દરમ્યાન નગરપાલિકા પર વ્હાલા-દવલાની નીતિના આક્ષેપો અમુક લોકો દ્વારા સોશિયલ મીડિયામાં વહેતા કરાયા હતા. બજાર સહિતના અમુક વિસ્તારોમાં દબાણો દૂર કરાયા બાદ જન્માષ્ટમીના તહેવારોના કારણે દબાણ હટાવવાની કામગીરીમાં “ઈન્ટર” પડ્યો હતો. ત્યારબાદ ૪/૯/ર૦૧૮ મંગળવારે ધોળકા તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી ધવલ જાનીના અધ્યક્ષ સ્થાને “ઓપરેશન ડીમોલીશન” સંદર્ભે મીટિંગ મળી હતી. જેમાં દબાણ હટાવવાનો બીજો રાઉન્ડ કઈ રીતે પાર પાડવો તેની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બુધવારથી દબાણ તોડવા માટે ૩ ટીમો કાર્યરત કરાશે. જેમાં પ્રથમ પગથિયા-ઓટલા જેમાં નાના દબાણો દૂર કરાશે. સાથે-સાથે મોટા દબાણો ભોંયભેગા કરાશે. સ્ટેટ હાઈવેની બંને બાજુ ર૪ મીટર સુધીના દબાણો તોડવવાનો નિયમ છે. આથી ધોળકા શહેરની ફરતે બલાસ ચોકડીથી કલીકુંડ ચોકડી, પુલેન ત્રણ રસ્તાથી મીઠીકૂઈ કોલેજ સર્કલથી મધિયા ત્રણ રસ્તા સુધી અને કલીકુંડ મંદિરથી સરોડા રોડ તરફના હાઈવે પરના વ્યાપક દબાણો કોઈની શેહશરમ રાખ્યા વિના તોડી પડાશે તેવો તંત્રએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ મીટિંગમાં ધોળકા નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ પટેલ, ચીફ ઓફિસર સુરેશ કટારા, મામલતદાર આર.બી. અંગારી, આર એન્ડ બી તથા સિટી સર્વેના અધિકારીઓ, ધોળકા ટાઉન, પીઆઈ એલ.બી. તડવી હાજર રહ્યા હતા.