(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
ટ્રકો ભરીને રોકડ ભારત બહાર લઇ જવા માટે ચાર્ટર્ડ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ ? એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્રારા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એકલું નથી, તેની સાથે અન્ય ઘણી એજન્સીઓ પણ તપાસમાં સામેલ છે અને તપાસ રચનાત્મક તબક્કાએ છે પરંતુ તપાસકારોએ જણાવ્યું કે આવા ચાર્ટર્ડ વિમાનોના માલિકો કે તેમના વીઆઇપી અસીલોની તેમાં સંડોવણી હોવાના કોઇ પણ પુરાવા હજીસુધી મળ્યા નથી. બનાવટી ઓળખ આપીને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો પાસેથી એરોડ્રોમ એન્ટ્રી પાસ મેળવવા બદલ સીબીઆઇ દ્વારા ભૂતપૂર્વ પત્રકાર અને વેપારી ઉપેન્દ્ર રાયની મે મહિનામાં ધરપકડ કરવામાં આવ્યા બાદ આ પ્રકરણ બહાર આવ્યું હતું. આ પાસથી ઉપેન્દ્ર રાયને સમગ્ર દેશના એરપોર્ટ પર એન્ટ્રી મળી જતી હતી. સીબીઆઇ દ્વારા ઉપેન્દ્ર રાય ઉપરાંત પ્રાઇવેટ પ્લેન ઓપરેટર એર વનના અધિકારીઓ અને એરપોર્ટના કેટલાક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ તપાસકારોએ ઓલ એક્સેસ પાસ મેળવવા પાછળ ઉપેન્દ્ર રાયના હેતુનો કોઇ ઘટસ્ફોટ કર્યો નથી. ચાલુ સપ્તાહે ઇડીએ એવો ઘટસ્ફોટ કર્યો કે એજન્સી દ્વારા ઉપેન્દ્ર રાયની દક્ષિણ દિલ્હીના પોશ ગ્રેટર કૈલાસ અને કન્નોટ પ્લેસના ફલેટ્સ સહિત ૨૬ કરોડ રૂપિયાથી વધુની તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.ઉપેન્દ્ર રાયના ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન, ઇડી અને સીબીઆઇ જેવી તપાસ કરનારી એજન્સીઓને એવી શંકા છે કે ક્યાંક વીઆઇપી ચાર્ટર્ડ વિમાનો દ્વારા રોકડ વિદેશમાં તો મોકલવામાં આવી રહી ન હતી. તપાસ એજન્સીઓને એવી પણ શંકા છે કે ક્યાંક નોટો છુપાવવા માટે ચાર્ટર્ડ વિમાનોમાં કોઇ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી કે કેમ ? ચાર્ટર્ડ વિમાનોમાં ખાસ પ્રકારના કોથળી જેવા ગુપ્ત ખાનાઓ તો બનાવવામાં આવ્યા હતા કે કેમ ? એવું જણાવવામાં આવે છે કે વિદેશી એજન્સીઓએ ભારતીય એજન્સીઓેને બતાવ્યું છે કે હવાલાના નાણા ચાર્ટર્ડ વિમાનો દ્વારા પણ મોકલવામાં આવી રહ્યા છે. તપાસ એજન્સીઓ પુરાવાઓ એકત્રિત કરી રહી છે.તપાસ એજન્સીઓને અત્યાર સુધી એ બતાવ્યું નથી કે એરોડ્રોમ પાસ હાંસલ કરવા પાછળ ઉપેન્દ્ર રાયનો શું હેતું હતો ? તપાસ એજન્સીઓને એવી પણ શંકા છે કે કોઇ એન્જીનીયરને મળીને ઉપેન્દ્ર રાયે ચાર્ટર્ડ વિમાનોમાં ગુપ્ત ખાનાઓ બનાવ્યા હશે. આવી રીતે વિમાનોના માલિક કે ક્લાઇન્ટને પણ ખબર પડતી ન હતી અને વીઆઇપી વિમાનની વધુ તપાસ પણ કરવામાં આવતી નથી.
શંકાસ્પદ બાબતો
તપાસકારોએ એ બાબતનીપણ પુષ્ટિ કરી છે કે એર વન સાથે ઉપેન્દ્ર રાય સંકળાયેલા છે અને તેના વિમાનો લાંબા સમય સુધી દુબઇમાં પાર્ક કરવામાં આવ્યા હતા. તપાસકારોને એ બાબત પણ શંકાસ્પદ જણાઇ છે કે એર ઓપરેટર જેબેલ અલીમાં આવેલા અલમખ્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ઉપયોગ કરતા હતા. આ એરપોર્ટ દુબઇના દક્ષિણપશ્ચિમમાં ૩૭ કિલોમીટર દૂર આવેલું છે. મુખ્ય દુબઇ એરપોર્ટ કરતા ત્યાં બહુ ઓછી તપાસ કરવામાં આવે છે. દુબઇ ઉપરાંત એર વનના વિમાનો અવારનવાર કે વારંવાર રશિયા પણ ગયા હતા. હવે એવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કે આ ચાર્ટર્ડ વિમાનો દુબઇના મુખ્ય એરપોર્ટને બદલે નાના એરપોર્ટ પર કેમ ઉતર્યા ? કેમ આટલા નાના એરપોર્ટ પરથી આટલા વધુ વિમાનોએ ઉડાન ભરી ?