તરતી સુંદરતા

દરેક દેશની પોતાની એક આગવી ઓળખ હોય છે. કોઈ દેશ ભવ્ય વારસાથી અકબંધ હોય છે, તો કોઈ દેશ સંસ્કૃતિથી મઘમઘતો હોય છે, તો વળી કોઈ દેશ વેપારથી જગ વિખ્યાત હોય છે. એવા જ બે જુદા-જુદા દેશો કે જેની સંસ્કૃતિ, રહેણીકરણી તદ્દન જુદી છે, તેમ છતાંય કુદરતના સૌંદર્યને તસવીરમાં રજૂ કરતાં આ બંને દેશોમાં એક વાત સર્વસામાન્ય છે કે જ્યાં એક જ પ્રકારના વેપારનો સોદો કરવામાં આવે છે અને આ વેપાર છે સુગંધથી મઘમઘતા ફૂલોનો. ફૂલોના આ વેપારનો વિસ્તાર વધુ હોવા છતાં તેમાંથી રોજિંદી આવક મેળવીને ગુજરાન ચલાવતા કેટલાય છૂટક વેપારીઓ ગરીબીમાં સપડાતા હોય છે. ફૂલોને વેચીને બીજાના મનને પ્રફુલ્લિત કરતાં, લોકોના ઘરને મહેકાવતો આ વેપારી આ જ ફૂલોથી પોતાના ઘરને સુગંધિત-સુશોભિત કરવાના માત્ર સ્વપ્ના જ જોઈ શકે છે.
પ્રથમ તસવીરમાં વિયેતનામના જીઆંગ પ્રાંતમાં કમળના પુષ્પોને એકત્રિત કરી રહેલી એક યુવતી જોવા મળી રહી છે. ખીલેલા કમળને જોઈને તેનો પણ ચહેરો ખીલી ઊઠ્યો હોય તેવું દૃશ્યમાન થઈ રહ્યું છે.
ગઈકાલે દર્શાવેલા કમળ કરતાં આ કમળની જાત જુદી છે. તેનો છોડ પણ બહુ મૂલ્યવાન છે. આ કમળના પાંદડાનો ઉપયોગ સલાડ તેમજ ચા, એમ બંનેમાં કરી શકાય છે, તેના બીજનો પણ મુખવાસ તરીકે ઉપયોગ થાય છે.
બીજી તસવીરમાં બાંગ્લાદેશના એક તળાવમાં બાંગ્લાદેશી બાળકો કમળને ચૂંટીને એકઠાં કરતાં જોવા મળી રહ્યા છે. કુદરતની સુંદરતાને પોતાના હાથમાં રાખનાર આ બાળકોની જાણે પોતાની સુંદરતા ક્યાંક ખોવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts