અમદાવાદ, તા. ૧૮
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉસ્માનપુરા પશ્ચિમઝોન કચેરી ખાતે મળેલી સંસ્દસભ્યો અને ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠકમાં દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અન પોલીસ કમિશનર એ.કે. સિંઘની દબાણ અને ટ્રાફિકની સમસ્યાથી શહેરને મુક્તિ અપાવી તેની પ્રશંસા કરી સાથે-સાથે ગરીબ પરિવારોની રોજીરોટી ન છિનવાય તે માટે સ્ટ્રીટ વેન્ડર પોલીસનો અમલ કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.
આજની મિટીંગમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મ્યુનિ. કમિશનર વિજય નેહરા તથા શહેરના પોલીસ કમિશનર એ.કે. સિંઘ સાહેબ દ્વારા અમદાવાદ શહેરને દબાણમુક્ત બનાવવા માટે કરેલ કામગીરીને બિરદાવતા કહ્યુ હતુ કેઅમદાવાદના શહેરીજનો માટે દબાણ અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ અત્યંત આવશ્યક છે પરંતુ સાથે સાથે મ્યુનિ. કોર્પોરેશન એ ગરીબ લારીગલ્લા તથા પાથરણાવાળાઓની પીડાને પણ લક્ષ્યમાં લેવી જોઈએ. ગરીબોની રોજીરોટીની સમસ્યાનું માનવતાના ધોરણે નિરાકરણ લાવવા કાયદા અનુસાર વર્તમાન સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો ઈમાનદારીપૂર્વક અમલ કરવો જોઈએ અને વર્ષોથી રોજીરોટી મેળવતા ગરીબ લોકોને ટ્રાફીકને અડચણરૂપ અને દબાણ ન થાય તે પ્રમાણે માનવતાના ધોરણે શક્ય હોય તો મૂળ જગ્યાએ અથવા રોજીરોટી મળી રહે તેવા નજીકના સ્થળે મ્યુનિ. કોર્પોરેશન કે સરકારની માલિકીની જગ્યાની ફાળવણી કરી વિસ્થાપિતોને આજીવિકા આપવા જોઈએ.
આ ઉપરાંત તેમણે ગેરકાયદેસર બાંધકામ થતા અટકાવવા બાંધકામ જ્યારે શરૂ થાય તે જ સમયે અટકાવવુ જોઈએ. મ્યુનિ. કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ નિયમિત હપ્તાઓ લઈ પ્રથમતો બાંધકામ થવા દે છે અને બાંધકામપૂર્ણ થયા પછી કહેવાતા ધંધાદારી આરટીઆઈ એકટીવીસ્ટ, રાજકીય પક્ષોના તોડબાજ આગેવાનોના દબાણ હેઠળ તોડફોડની કામગીરી શરુ કરે છે. તેનાથી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્ત્વોને કોઈ નુકસાન થતુ નથી પરંતુ સમગ્ર જીવનની પૂંજી લગાવનાર કાયદાકીય આંટીઘૂંટીથી અજાણ અશિક્ષિત અને ગરીબ લોકો તોડફોડની કામગીરીનો ભોગ બનીને પોતાની જીવનભરની કમાણી ગુમાવી બેસે છે. માટે કમિશનરે ટીડીઓ ખાતાના અધિકારીઓને કડક શબ્દોમાં સૂચના આપી ગેરકાયદેસર બાંધકામ શરૂથી જ અટકાવવા અત્યંત આવશ્યક છે.
વર્તમાન પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે દરિયાપુર વિધાનસભા વિસ્તારમાં આઠ બોર બનાવવાનું કામમંજુર કરવામાં આવ્યુ છે પરંતુ તેમાંથી હાલ બે બોર બનાવવાની કામગીરી ચાલુ છે. બાકી રહેતા છ બોર બનાવવાની કાર્યવાહી ઝડપથી શરૂ કરવા પણ ધારાસભ્યએ માગણી કરી છે.
સ્વચ્છતા જાળવવા પીએચએસ વોર્ડ ઈન્સ્પેકટરોને સફાઈ કામદારોની પૂરતી હાજરી રાખવાનું કડકપણે પાલન કરાવે તથા નિયમિત રીતે વોટર અને ડ્રેનેજ પંપીગ સ્ટેશન સમયસર ચાલુ કરવા અને ડ્રેનેજ અને ડિસીલ્ટીંગના કામો નિયમિત રીતે કરાવવા માંગણી કરી હતી.