(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
કેન્દ્ર સરકાર સેન્ટ્રલ એક્સાઇઝ અને વેટ સહિતના અગાઉના ટેક્સ વિવાદ ઉકેલવા માટે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમની વિચારણા કરી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ જીએસટી કાઉન્સિલની ગત શનિવારના રોજ મળેલ બેઠકમાં રજૂ થયેલ પ્રસ્તાવ મુજબ અધિકારીઓ અગાઉની ટેક્સ સંબંધી સમસ્યાને બદલે જીએસટીના નિયમોના પાલન પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે. ઉપરાંત, સરકાર માટે તાત્કાલિક વન ટાઇમ રેવન્યુ મેળવી શકશે. પ્રસ્ત મુજબ વિચારણા હેઠળની સ્કીમમાં તમામ એસેસમેન્ટ અને અગાઉની બાકીની રકમને આવરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જીએસટીનો અમલ પહેલા જુલાઇ, ૨૦૧૭થી કરવામાં આવ્યો હતો. નવી ટેક્સ સીસ્ટમે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી, કાઉન્ટરવેઇલિંગ ડ્યૂટી સેસ, વેલ્યૂ એડેડ ટેક્સ, એન્ટ્રી ટેક્સ અને પરચેઝ ટેક્સનું સ્થાન લીધું હતું. સમગ્ર દેશમાં વેટની સીસ્ટમ એક સરખી ન હતી. અને અલગ અલગ રાજ્યોમાં પોતાના કાયદા અને અલગ પ્રક્રિયાઓ હતી. તેના કારણે બિઝનેસ દ્વારા તમામ રાજ્યોમાં અલગથી ફાઇલીંગ કરવું પડતું હતું અને જે તે રાજ્યોના વેટના માળખા પ્રમાણે હતું. દરેક રાજ્યમાં દરેક ડીલર માટે બેથી ત્રણ વેટ એસેસમેન્ટની બેકલોગ છે તેમ ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું.પરિણામે કંપનીઓની ટેક્સ ટીમ માત્ર જીએસટીના કાયદા અને તેના અનુપાલન માટે કામ નથી કરી રહી પરંતુ તેમણે દસ્તાવેજોનું કમ્પાઇલેશન કરવું પડે છે. તેમણે સ્ટેસ્યુટરી ફોર્મ એકત્ર કરવા પડ છે. તેમણે એકથી વધારે વેટ એસેસમેન્ટ માટે રિકોન્સિલિયેશન પણ તૈયાર કરવા પડે છે. મોટા ભાગનો ટેક્સ મેનપાવર હાલમાં માત્ર જીએસટી તરફ વળવામાં આવ્યો છે. અને જૂની ટેક્સ સિસ્ટમ પર ખામ કરી શકે, તેવા બહુ ઓછા લોકો હાજર છે જેના કારણે ટેક્સ કેસની પેન્ડન્સીમાં વધારો થયો છે. સમગ્ર ભારતમાં કામગીરી ધરાવતી કંપનીઓ જેમ કે, એફએમસીજી અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ માટે દરેક રાજ્યમાં ઓછામાં ઓછા બેથી ત્રણ એસેસમેન્ટ પેન્ડિંગ છે.