તેજસ્વી વિવાદ ઉકેલવા હવે સોનિયા ગાંધી મેદાને પડ્યાં

નવી દિલ્હી, તા. ૧૪
બિહાર મહાગઠબંધન મામલે આજે સૂત્રોએ જણાવ્યું હતું કે, લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમાર દ્વારા અપાયેલી ડેડલાઇન સામે ૭૨ કલાકનો સમય માગ્યો છે. મંગળવારે નીતિશ કુમારે જાહેરમાં જણાવ્યું હતું કે, તેઓ તેમના વહીવટીતંત્રમાં ભ્રષ્ટાચારને સાંખી લેશે નહીં. લાલુ યાદવના પુત્ર તથા બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ બંને સામે જમીન કૌભાંડમાં સીબીઆઇએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. નીતિશ કુમારે સંકેત આપ્યા હતા કે, તેજસ્વી રાજીનામું આપે અથવા તેઓ જાહેરમાં જઇને લોકો સામે આ અંગે સ્પષ્ટતા કરે. લાલુ યાદવ આ અંગે આજે રાંચીથી પટના પહોંચ્યા હતા જ્યાં તેઓ અન્ય ભ્રષ્ટાચારના આરોપો અંગે કોર્ટમાં હાજર થવા ગયા હતા. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીએ બંને પક્ષોના મોટા નેતાઓ સાતે વાત કર્યા બાદ તેજસ્વી અંગેની ચર્ચા અંતિમ તબક્કામાં પહોંચી છે. જોેકે, બંને પક્ષો આ દરમિયાન જેડીયુએ આરજેડીને ડેડલાઇન આપી હોવાનો ઇન્કાર કર્યો હતો.
મહાગઠબંધનની પાંચ સંભાવનાઓ
૧. આરજેડી ડેપ્યુટી સીએમનો ચહેરો બદલી નાખે.
પ્રથમ સંભાવના એ છે કે, આરજેડી જેડીયુ અને કોંગ્રેસના દબાણમાં આવી તેજસ્વીનું રાજીનામું માગી લે અને તેમના સ્થાને પાર્ટી સુપ્રીમો લાલુ પ્રસાદના કોઇ અંગતને આ પદ પર બેસાડી દે. આમ કરવાથી નીતિશની છબી નહીં ખરડાય અને આરજેડીને આંચકો પણ નહીં લાગે.
૨. આરોપનામંુ દાખલ થાય ત્યાં સુધી રાહ જોવી.
આરજેડી એવો તર્ક આપી શકે કે, અત્યારે તો તેજસ્વી સામે ફક્ત ફરિયાદ દાખલ થઇ છે આરોપનામું ઘડાયું નથી. તો જેડીયુએ આરોપનામું દાખલ થવા સુધી રાહ જોવી જોઇએ. જોકે, લાલુ પરિવાર સામે કાર્યવાહીની જે ઝડપ છે તેને જોતા એવી સંભાવના વધુ છે કે, જેડીયુ તેને વધુ સમય આપે. દરેક સમયે બદલાતા માહોલમાં નીતિશ માટે આ સ્થિતિને ટાળવી મુશ્કેલ બની શકે.
૩. નીતિશ સરકારને આરજેડીનું બહારથી સમર્થન.
જો તકરાર વધી જાય તો આરજેડી સરકારને બહારથી સમર્થન આપી શકે છે. એવી પણ સંભાવના છે કે, આરજેડી રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ કોઇ મોટો નિર્ણય લઇ શકે. મહાગઠબંધન તૂટવાની સ્થિતિમાં જેડીયુ પાસે ભાજપનો વિકલ્પ રહેલો છે. બીજી તરફ આરજેડી કોઇ સાથે ચર્ચા કરવાની સ્થિતિમાં પણ નથી તેથી તેની પાસે સરકારને બહારથી સમર્થન આપવાનો વિકલ્પ રહેલો છે.
૪. આજ રીતે સરકાર ચાલતી રહે.
આરજેડીએ ફરીએકવાર કહ્યું છે કે, તેજસ્વી યાદવ કોઇ સ્થિતિમાં રાજીનામું નહીં આપે. તેઓ ચૂંટાઇને આવ્યા છે તો તેઓ રાજીનામું કેમ આપે. જોકે, આરોપ-પ્રતિઆરોપ રાજકારણનો ભાગ માનવામાં આવે છે. એટલે કે રાજનીતિમાં જ્યાં સુધી આરોપ સિદ્ધ ન થાય ત્યાં સુધી વિપક્ષનું ષડયંત્ર જ માનવામાં આવે છે.
૫. નીતિશ ભાજપનો સાથ લઇ લે.
પાછલા દિવસોમાં ઘણા એવા ઘટનાક્રમો બન્યા જેમાં નીતિશ કુમાર મોદી સરકારની નીતિઓની સાથે જોવા મળ્યા. ઘણા મુદ્દે તેમણે ભાજપનું સમર્થન કર્યું હતું. તેમણે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદને સમર્થન આપી ચૂક્યા છે. જોેકે, નીતિશ પોતાની ખુરશી બચાવવા માટે જ મજબૂરીમાં ભાજપનો સાથ મેળવી શકે પરંતુ તેઓ પોતે પણ તૂટેલી મિત્રતા જોડવા માટે વધુ ઇચ્છૂક નથી.
RJDની ધમકી સામે JDUનો જવાબ : ‘સરકાર તોડી પાડવામાં પાંચ મિનિટ લાગશે’

પટના, તા. ૧૪
બિહારમાં મહાગઠબંધનની સંભાવનાઓ અંગે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે જે વચ્ચે બંને પક્ષો ગઠબંધનમાં તિરાડનો ઇન્કાર કરી રહ્યા છે. જોકે, હવે સૌથી મોટા બે પક્ષોમાં શાબ્દિક ટપાટપી શરૂ થઇ ગઇ છે. આરજેડીના વરિષ્ઠ ધારાસભ્યના નિવેદનના ૨૪ કલાકની અંદર જ જેડીયુ તરફથી પણ જવાબ અપાયો છે. આરજેડીએ જણાવ્યું હતું કે, અમે ગઠબંધનના સૌથી મોટા ઘટક છીએ તેથી અમે જે કહીશું તે બધાને માનવું પડશે. જેની સામે પ્રહાર કરતા જેડીયુએ શુક્રવારે જણાવ્યું હતું કે, સત્તામાં રહેવાની સરખામણીમાં નીતિશ કુમારની છબિ તેના કરતા વધુ જરૂરી છે. જો જરૂર પડશે તો પાર્ટીને સરકારમાંથી બહાર કાઢવામાં ફક્ત પાંચ મિનિટ લાગશે.
જેડીયુ પ્રવક્તા અજય આલોકે જણાવ્યું હતું કે, મહાગઠબંધનના નેતા નીતિશ કુમાર છે તેમના સિવાય કોઇ નહીં. જે લોકો ધમકી આપી રહ્યા છે તેમની પાસે ૮૦ ધારાસભ્યો છે તેમણે કોઇ પ્રકારના ભ્રમમાં રહેવું જોઇએ નહીં. અમને સરકાર અને સત્તામાંથી બહાર આવવામાં પાંચ મિનિટથી વધુ સમય નહીં લાગે. તેમણે ઉમેર્યું હતું કે, નીતિશ કુમારનો ટ્રેક રેકોર્ડ હંમેશા કલંક વિનાનો રહ્યો છે. આપણે આવા નિવેદનો આપી મહાગઠબંધનને ભયજનક સ્થિતિમાં મૂકવું જોઇએ નહીં પરંતુ એ આરોપોનો જવાબ લઇ જનતા સામે જવું જોઇએ જે તેજસ્વી યાદવ પર લગાવાયા છે. તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, સત્તા અમારા માટે એટલી જરૂરી નથી. નીતિશ કુમારની છાવણીએ સ્પષ્ટતા કરી દીધી છે કે, તેઓ ભ્રષ્ટાચારના મામલે કોઇપણ સમજૂતી નહીં કરે અને પહેલા પણ જેડીયુએ આ પ્રકારની ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવી છે. ઉલ્લેખનીય છે કે, આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વીયાદવ સામે ભ્રષ્ટાચારના આરોપો બદલ તેમના ઘરે સીબીઆઇ તથા ઇડીના દરોડા પડાયા હતા જે સંદર્ભે જેડીયુએ ખુલાસો કરવા આરજેડીને ચાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ જેડીયુએ સત્તાવાર રીતે કહ્યું હતું કે, અમારી પાર્ટીએ આ પ્રકારનું કોઇ અલ્ટીમેટમ આપ્યું નથી.
જેડીયુનો આરજેડી પર વળતો પ્રહાર,તેના પૂર્વ ગઠબંધનની સ્થિતિ યાદ અપાવી
રાષ્ટ્રીય જનતા દળના આગેવાનો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટિપ્પણીથી બેચેન બનેલ તેના બિહાર ગઠબંધનના ભાગીદાર જનતા દળ યુનાઇટેડે(જેડીયુ)પક્ષ પર વળતો પ્રહાર કર્યો છે. પક્ષના પ્રવક્તા કે સી ત્યાગીએ કહ્યું કે “ચૂંટણી પહેલાં આરજેડી પાસે ૨૨ ધારાસભ્યો હતાં અને અમારી પાસે ૧૧૮, પરંતુ ચૂંટણી બાદ આરજેડીને ૮૦ બેઠકો મળી કારણ કે આ મહાગઠબંધનનો ચહેરો નીતીશજી હતા.” તેઓ આરજેડી ધારાસભ્ય ભાઇ વિરેન્દ્રની ટિપ્પણીની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. ભાઇ વિરેન્દ્રએ ટિપ્પણી કરી હતી કે મહાગઠબંધનમાં તેમનો પક્ષ મોટો ભાગીદાર પક્ષ હતો અને તે ગઠબંધનમાં હુકમ ચલાવશે. ત્યાગીએ વધુમાં જણાવ્યું કે “નિતીશ કુમારે ઉઠાવેલા મુદ્દાઓ અને પ્રશ્નોના જવાબ મળવા જોઇએ. આરજેડીના નેતાઓએ આ અંગે ગર્વ ન અનુભવવો જોઇએ અને તેમણે આવા નિવેદનો આપવાથી બચવું જોઇએ.” “ અમે જે નિર્ણય લીધો છે તેને અમે નૈતિકતાથી અને મૌલિક રીતે વળગી રહીશું, એજન્સીઓ દ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે ત્યારે ભ્રષ્ટાચારના કલંક સાથે શાસન કરવું નિતીશ કુમારના સ્વભાવમાં નથી.” તેમ તેમણે કહ્યું હતું. આરજેડી સુપ્રીમે લાલુ પ્રસાદ યાદવના પુત્ર તથા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પરના આરોપો અંગે લાલુ પ્રસાદ પર દબાણ કરતાં ત્યાગીએ કહ્યું કે “અમે અમારૂં વલણ સ્પષ્ટ કરી દીધું છ,અમે આશા રાખીએ કે સદ્‌બુદ્ધિનો વિજય થશે.ે”

ફક્ત આરોપ બદલ તેજસ્વી શા માટે
રાજીનામું આપે ? : ભાજપના ‘શત્રુ’
ભાજપના વરિષ્ઠ નેતા શત્રુઘ્ન સિંહાએ શુુક્રવારે ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલા બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવનો બચાવ કરતા જણાવ્યું કે, ઘણા પક્ષોમાં નેતાઓ પર આરોપો લાગતા હોય છે પરંતુ તેઓ પદ પર જળવાઇ રહે છે. તેમણે કહ્યું કે તેજસ્વી ફક્ત આરોપો માટે શા માટે રાજીનામું આપે ? જોકે, તેમણે એમ પણ કહ્યું કે, તેઓ કોઇ નિષ્ણાત નથી અને એનડીએ અથવા મારી પાર્ટી ભાજપનો વિષય નથી. આ કેટલાક લોકોની રાજકીય રણનીતિ હોઇ શકે પરંતુ હું તો એટલું કહેવા માગીશ કે, થોભો અને રાહ જુઓ. શત્રુએ વધુમાં કહ્યું કે, મારી જાણમાં ઘણા એવા નેતાઓ છે જેમના પર આરોપો લાગે છે, ફરિયાદ દાખલ થાય છે, એટલે સુધી કે, આરોપનામું ઘડાયા બાદ પણ તેઓ પોતાના પદ પર જળવાઇ રહે છે. મને સમજાતું નથી કે, ફક્ત આરોપો માટે તેજસ્વી રાજીનામું કેમ આપે ? તેમણે કહ્યું કે, ફક્ત સમાચારો અને અફવાઓને આધારે કાંઇ ન કહી શકાય. હવે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. બિહારમાં બે પરિપકવ લોકો સત્તા પર છે અને તેઓ આ સ્થિતિને પહોંચીવળવા માટે સક્ષમ છે. બધાએ બિહારના હિત માટે વિચારવું જોઇએ. બીજી તરફ લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને તેજસ્વીના રાજીનામાની માગ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts