(એજન્સી) તા.૧ર
બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવે દેશના કેટલાક નેતાઓને એક પત્ર મોકલ્યો છે. આ પત્રમાં તેજસ્વી યાદવે તમામ નેતાઓને લખ્યું છે કે, સાથીઓ એક તરફ જ્યાં આપણે ભૂખમરા, બેરોજગારી, ખેડૂત અને સામાજિક ન્યાય સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવી રહ્યા છે, તો ત્યાં મુખ્યધારાની મીડિયાનો એક મોટો ભાગ ભાજપ મુખ્યાલય દ્વારા નક્કી કરવામાં આવેલા એજન્ડા હેઠળ આ મોટા મુદ્દાઓ પર પડદો નાખી રહ્યો છે.
તેજસ્વી યાદવે પોતાના આ પત્રમાં તમામ નેતાઓને આવી ટીવી ચેનલોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. તેજસ્વીએ લખ્યું કે, આવો આપણે સામૂહિક રીતે આ ચેનલોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લઈએ. તેજસ્વી યાદવે આ પત્ર બિહાર વિધાનસભાના લેટરહેડ પર લખીને મોકલ્યો છે. લાલુ યાદવના નાના પુત્રએ આ પત્રને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત કેટલાક નેતાઓને મોકલ્યો છે.
તેજસ્વીએ આ પત્રની નકલ યોગી આદિત્યનાથના મંત્રી ઓમપ્રકાશ રાજભર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ, શરદ પવાર, સીતારામ યેચુરી, એચડી દેવગૌડા, દીપાંકર ભટ્ટાચાર્ય, અજીતસિંહ, ઉપેન્દ્ર કુશવાહા, બદરૂદ્દીન અજમલ, અસદુદ્દીન ઓવૈસી, જીતનરામ માંઝી, હેમંત સોરેન, ઓમપ્રકાશ ચોટાલા અને બાબુ લાલ મરાંડીને પણ મોકલી છે.