
(સંવાદદાતા દ્વારા) સાવરકુંડલા, તા. ૭
અમરેલી બૃહદગીર શેત્રુંજી નદીમાં વસતા સિંહોની સુરક્ષા માટે ૬થી ૭ ફૂટનાં માઉન્ટ-ઉંચા ટેકરા બનાવાયા છે. જેથી કદાચ પુરની સ્થિતિમાં સિંહો સહિતનાં વન્ય જીવો આ પથ્થરનાં માઉન્ટ પર ચડી જીવ બચાવી શકશે. આમ વનવિભાગ અમરેલીની શેત્રુંજીમાં આ અંગે પહેલ કરી છે.
અમરેલી જિલ્લામાં ખાસ કરીને શેત્રુંજી નદી કાઠાના વિસ્તારોમાં જે અમરેલીનો બૃહદગીર વિસ્તાર છે. તેમાં મોટી સંખ્યામા સિંહોનું વિચરણ છે. અહીંના ઠંડા વિસ્તારમાં જ તેનો કાયમી નિવાસ છે. ત્યારે આગામી ચોમાસામાં સિંહોને અહીંથી દૂર કરવા જરૂરી છે. પરંતુ સિંહોને આ વિસ્તાર છોડવો ન હોય તેમ અહીં જ પડ્યા અને પાથર્યા રહેતા હોવાથી વન વિભાગ અમરેલી દ્વારા અહીં નદીમાં પૂર આવે તો સિંહોને સલામત સ્થળ મળી રહે તે માટે અમરેલી રેંજ દ્વારા માઉંટ બનાવી નવતર પ્રયોગ કરાયો છે.
અમરેલી અને લિલિયા વિસ્તારમાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટ્ટમાં આશરે ૩૫ જેટલા સિંહ પરિવારો વિચરણ કરી રહ્યા છે. આ નદીનો પટ્ટ સિહોનુ કાયમી રહેઠાણ બની ગયુ છે ઉપરાંત કાંઠાના બાવળોની ઝાડીઓમાં પણ સિંહોની અવર-જવર કાયમી હોય છે. ત્યારે આગામી ચોમાસા દરમ્યાન સિંહોની સલામતી જોખમાય નહીં એ માટે વન વિભાગ દ્વારા ખાસ આયોજન કરી માઉંટ બનાવવાનો નવતર પ્રયોગ કરવામા આવ્યો છે.
અમરેલી જિલ્લાના શેત્રુંજી નદીમાં બે વર્ષ પહેલા પૂર પ્રકોપના કારણે હજારો પશુઓ તણાઇ મોતને ભેટ્યા હતા. જેમાં આશરે નવ જેટલા સિંહોના પણ મૃત્યુ થયા હતા. તેના પગલે અગમચેતી રૂપે ચાર જેટલા માઉંટ બનાવવામાં આવ્યા છે અને ત્રણ તુકડીઓ સતત દેખરેખ રાખી રહી છે. ઉપરાંત વન વિભાગ સતત વરસાદી વાતાવરણમાં મોનીટરીંગ કરી રહ્યાનું પી.બી.પ્રજાપતિ આર.એફ.ઓ અમરેલીએ જણાવ્યું છે. ત્યારે સ્થાનિક પ્રકૃતિની સંસ્થા સાથે જોડાયેલા મંગલુંભાઈ ખુમાણની રજૂઆત હતી કે, સિંહોને અહીંથી સ્થળાંતર કરવા અથવા તેમની સેફટી માટે ઊંચા સિમેન્ટ ક્રોન્ક્રીટના ઓટલા, માઉન્ટ બનાવવા જરૂરી છે. આચાર્ય ચિરાગભાઈ પર્યાવરણ વિર્દ અમરેલીનાં જણાવ્યા અનુસાર અમરેલી રેંજ દ્વારા સિંહોની સલામતી માટે પ્રિમોંસુન પ્લાનમાં માઉંટ બનાવાયા છે. આ નવતર પ્રયોગ સિંહોને બચાવવામાં કેટલો કારગત નિવડે છે. તે તો આવનારો સમય જ બતાવશે. સરકાર દ્વારા ગીરમાં રાજુલા બૃહદ ગીરમાં તેમજ અન્ય નદી આસપાસ વસતા સિંહોની સુરક્ષા માટે આવા માઉન્ટ બનાવવામાં આવે તે જરૂરી છે. આ અંગે સ્થાનિક ધારાસભ્ય અમરીશભાઈ ડેરને પણ ખાસ રજૂઆત કરાઈ છે.