અંકલેશ્વરમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો
પીરામણથી મૃતદેહને અંકલેશ્વર લઈ જવા ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી ચલાવતો અકબર નામનો યુવાન વ્હારે આવ્યો હતો. તસવીરમાં જે ગાડીમાંથી મૃતદેહ લવાયો હતો તે અને ઈન્સેટ તસવીરમાં માનવતા દાખવનાર ડ્રાઈવર અકબર દૃશ્યમાન થાય છે.
(તસવીર અયાઝ શેખ, અંકલેશ્વર)
અંકલેશ્વર,તા.૪
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા અંકલેશ્વરમાં બનેલી એક ઘટનાથી ભલભલાનું શરમથી માથું ઝુકી જાય તેમ છે. વાત એમ છે કે સુરત મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા રર વર્ષીય યુવાનની લાશ પીરામણ ગામના કબ્રુસ્તાન નજીકથી મળી આવી હતી પરંતુ તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવા કોઈ શબવાહિની ન મળતા મૃતદેહને ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતા ટેમ્પામાં મૂકી અંકલેશ્વર સરકારી દવાખાને લઈ જવાની ફરજ પડી હતી. સુરેન્દ્રનગરના પાટડીના હેબતપુર ખાતે રહેતા અને કારંજ પોલીસ મથકમાં ફરજ બજાવતા ખેરશન ભીમદાન ગઢવીનો રર વર્ષીય ભાઈ અજયદાન ભીમદાન ગઢવી ૧પ દિવસ પૂર્વે સુરત મ્યુ. કોર્પોરેશનમાં ફરજ પર લાગ્યો હતો. જેનો મૃતદેહ સોમવાર સવારના સમયે પીરામણ ગામના કબ્રસ્તાન નજીકથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા શહેર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તપાસ કરતા મૃતદેહ પાસે એક દવાની બોટલ તથા કાળો થેલો મળી આવ્યો હતો. આઈકાર્ડના આધારે મૃતકની ઓળખ થતા તેના ભાઈનો સંપર્ક કરાયો હતો. જેઓ કારંજથી અંકલેશ્વર દોડી આવ્યા હતા અને પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ભાઈના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખાતે લાવવા માટે કોઈ જ વાહન મળ્યું નહોતું. દરમિયાન મૃતદેહ લઈ જવા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતા ડ્રાઈવર અકબરને જાણ કરાઈ હતી. આથી અકબર પળનોય વિલંબ કર્યા વિના માનવતા ખાતર તેના ટેમ્પોમાં મૃતદેહને પીરામણથી અંકલેશ્વર સરકારી દવાખાને લઈ આવ્યો હતો. આમ અંકલેશ્વર નગરમાં મૃતકોની અંતિમ યાત્રા માટે સામાજિક સંસ્થાઓ અને વહીવટી તંત્રએ ઊભી કરેલી વ્યવસ્થા પર સવાલ આ ઘટના બાદ ઊભા થયા છે. નગરમાં પાંચ શબવાહિનીઓ છે જે પૈકી ૧ જયાબહેન મોદી હોસ્પિટલમાં છે. ર શાંતિધામ સ્મશાન ગૃહમાં છે. પરંતુ એક જ શબવાહિની કાર્યરત છે. ખાનગી હોસ્પિટલો તેમજ સરકારી હોસ્પિટલમાં ૧૦થી વધુ એમ્બ્યુલસો છે. જે માત્ર અકસ્માત કે ઈમરજન્સી સેવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈપણ વ્યક્તિ માર્ગમાં કે પછી અન્ય સ્થળોએ મૃત્યુ પામે તો તેની અંતિમ યાત્રા માટે શબવાહિની નસીબ થતી નથી અને ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હોય છે આજની ઘટના એ માનવીની મૃત્યુની કિંમત કચરા જેટલી કરી નાખી છે.