દેશ અને વિશ્વમાં ગુજરાતની વેપારી વિચારધારાની ગૂંજ સંભળાય છે : મોદી

એશિયાનો સૌથી મોટો દહેજનો ઓપેલ પ્લાન્ટ વડાપ્રધાને ખુલ્લો મૂક્યો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના ગુજરાત પ્રવાસની શરૂઆત સુરતથી શરૂ કરી હતી. સુરત એરપોર્ટ ખાતે ટૂંકા રોકાણ બાદ દહેજમાં યોજાયેલા બિઝનેસ સંમેલનમાં સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે દહેજ લઘુ ભારત બની ગયું છે. ભાગ્યે જ એવું હશે કે દેશના કોઈ ભાગના લોકો અહીં રોજગાર મેળવતા ન હોય. દેશ અને વિશ્વમાં ગુજરાતની વેપારી વિચારધારાની ગૂંજ સંભળાય છે. જેમાં દહેજ અને ભરૂચે મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ઇન્ડસ્ટ્રીઝ મીટમાં સંબોધન કરતાં વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં બદલાવ થઇ રહ્યો છે. સરકાર જુના એક્ટમાં સુધાર કરી વિકાસના રસ્તે આગળ વધી રહી છે. જેનાથી દેશના લાખો યુવાનો માટે રોજગારી તકો સર્જાશે.  છેલ્લા પંદર વર્ષોમાં ગુજરાત સરકારે ભગીરથ પ્રયાસ કર્યા છે. આજે એનું જ પરિણામ છે જેના પરિણામે ગુજરાત ઔદ્યોગિક દૃષ્ટિએ દેશમાં મહત્વપૂર્ણ બની ચૂક્યો છે. દહેજ દુનિયાના ટોપ ફિફ્ટીમાં સ્થાન મેળવી શક્યું છે. વિશ્વમાં ધમાકેદાર એન્ટ્રી નોંધાવી છે. વર્ષ ૨૦૧૧-૧૨માં દહેજ વર્લ્ડ રેન્કિંગમાં ૨૩ નંબરે પહોંચ્યું હતું. આ ગુજરાતી તરીકે અને ભારતીય તરીકે ગૌરવની વાત છે. આ વિસ્તાર ગુજરાતના જ નહીં પરંતુ દેશના લાખો લોકોને રોજગારી આપવાનું કાર્ય કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દહેજ અને આસપાસમાં વિકાસ કરવામાં ગુજરાત સરકારે ભારે પ્રયાસ કર્યો છે. દેશમાં ચાર પેટ્રો કેમિકલ પીસીપીઆર બનાવાશે. જેમાં દહેજનું પણ નામ હતું. જેનાથી સવા લાખ કરતાં પણ વધુ લોકોને રોજગારી મળી છે. જેમાંથી ૩૨ હજાર તો એવા છે કે જે સીધી રીતે જોડાયલા છે. પૂર્ણ વિકસીત થયા બાદ અંદાજે ૮ લાખ લોકોને રોજગારી મળવાની સંભાવના છે. નોટબંધીના નિર્ણય અંગે પોતાની પીઠ થાબડતા વડાપ્રધાને જણાવ્યું હતું કે વર્લ્ડ બેંકના સીઇઓએ કહ્યું કે ભારતે જે કર્યું છે એનો અન્ય દેશોએ સર્વે કરવો જોઇએ. નોબલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્રી મોહમ્મદ યુનુસે પણ વખાણ્યું છે. બ્રિટનના પ્રસિધ્ધ સમાચાર પત્રના માર્ટીન વુલ્ફે લખ્યું કે આ નિર્ણયથી પૂંજી અપરાધીઓના હાથમાંથી નીકળી સરકારના હાથમાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts