(એજન્સી) લુધિયાણા, તા.પ
બોલીવુડની ફિલ્મોને યાદ કરાવતી એક ઘટના લુધિયાણામાં બની હતી. બીજા લગ્ન કરવા ગયેલા વરરાજાને પહેલી પત્નીએ લગ્નસ્થળે જ મેથીપાક ચખાડયો હતો. વરરાજાને લગ્નમંડપમાંથી ખેંચી કાઢી જણાવ્યું હતું કે હું તેની પત્ની છું. છતાં પતિ મને છૂટાછેડા આપ્યા વગર ફરીથી લગ્ન કરી રહ્યો છે. ૪ર વર્ષના વિશાલકુમાર સોનુને તેમની અગાઉની પત્ની રેખાએ લગ્નસ્થળેથી રોડ પર ખેંચી લાવી મારપીટ ચાલુ કરી હતી જેમાં તેના પરિવારજનો પણ જોડાયા હતા. રેખાએ કહ્યું કે છૂટાછેડા આપ્યા વગર તેનો પતિ ૧૮ વર્ષની છોકરી સાથે બીજા દંભી લગ્ન કરી રહ્યો છે. આ ઘટના બાદ પોલીસ આવી પહોંચી હતી અને વરરાજા તેમજ પરિવારને પોલીસચોકીએ લઈ ગઈ હતી. જ્યાં સોનુએ કહ્યું કે તેણે અગાઉની પત્નીને છૂટાછેડા આપી દીધા છે જેના તેમની પાસે પુરાવા-દસ્તાવેજો છે. વરરાજા સોનુ શેરવાનીમાં લગ્ન માટે સજ્જ હતા ત્યારે અગાઉની પત્ની રેખા અને સગાઓ હોટલમાં લગ્નસ્થળે પહોંચી ગયા હતા અને મારઝૂડ કરી હતી. જ્યારે સોનુએ એવું કહ્યું કે હું તમને ઓળખતો નથી ત્યારે તેમણે હુમલો શરૂ કર્યો. સોનુએ ભાગી છૂટવાની કોશિશ કરી પરંતુ તે ભાગી શકયો નહીં. રેખા અને તેના સગાઓએ કન્યાને પણ છોડી ન હતી. રેસ્ટોરન્ટમાં ટેબલ પર પડેલ વસ્તુઓથી હુમલા ચાલુ થયા હતા. પૂર્વ પત્ની રેખાના ભાઈ પવનકુમારે કહ્યું કે સોનુએ ૧૪ વર્ષ પહેલાં મારી બહેન સાથે લગ્ન કર્યા હતા. જેમણે ૧૩ વર્ષનો બાબો છે. સોનુ તેની બહેનને મારઝૂડ કરતો હતો અને બેકાર હતો. સોનુના ત્રાસથી બહેન રેખાને પીયરમાં રખાઈ હતી. જ્યારે સોનુ નોકરી-ધંધો કરશે ત્યારે મોકલીશું તેવો વિચાર હતો. આ વાત સાથે સોનુ સંમત હતો. ત્યારબાદ વારંવાર રેખાને મળવા આવતો હતો. અમે કદી વિચારતા ન હતા કે દંભી બીજો લગ્ન કરશે. લગ્નના બે દિવસ પહેલાં કોઈકે અમને લગ્નની જાણ કરી. પોલીસે કહ્યું કે, તપાસ ચાલુ છે. તપાસ બાદ તહોમતનામું કોર્ટમાં રજૂ કરાશે. રીટુના પરિવારે કહ્યું કે સોનુએ અમને એવું કહ્યું હતું કે તેણે પત્ની સાથે ૭ વર્ષ બાદ છૂટાછેડા આપી દીધા છે. પુરાવા તરીકે દસ્તાવેજો પણ બતાવ્યા હતા. સોનુએ બર્થ-ડે પાર્ટી માટે હોલ બુક કરાવ્યો હતો પરંતુ ફોટોગ્રાફરે પોલીસને કહ્યું કે તેને લગ્નના ફોટા પાડવા બોલાવ્યો હતો.