ઉત્તર પ્રદેશની ચૂંટણીને નજરમાં રાખીને
બુધલાદા, તા.૨
પંજાબ કૉંગ્રેસના વડા અમરિન્દરસિંહે આજે જણાવ્યું છે કે, ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બિનજરૂરી રીતે યુદ્ધનો ખોફ ઊભો કરીને યુપીમાં આવી રહેલી ચૂંટણીમાં લાભ ખાટી જવા માટે ટૅન્શન અને રોમાંચ સર્જે છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના સરહદી વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની કામગીરી પણ બિનજરૂરી છે. તેમણે કહ્યું કે, આપણુ લશ્કર શાંતિથી બેઠું છે અને આપણા ગામોને ખાલી કરી દેવાય છે. જો યુદ્ધની કોઈ નિશાની દૂરદૂર પણ દેખાતી નથી તો પછી શા માટે ગરીબ ખેડૂતોને બિચારાઓને પજવવામાં આવે છે, એમ તેમણે કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે, ખાસ કરીને અત્યારે આ ખેડૂતોને હેરાન કરવામાં આવે છે જ્યારે તેમણે મહેનત કરીને ઉગાડેલો પાક લણવાની મોસમ આવી છે. પંજાબી લોકોને જ આગામી વર્ષે યુપીમાં યોજાનારી ચૂંટણીઓ માટે બલિના બકરા બનાવાય છે, કેમ કે ભાજપ હજી સુધી ઉત્તર પ્રદેશમાં પોતાની પકડ મજબૂત કરી શક્યું નથી. હજી યુદ્ધ થયું નથી, તેથી સરહદી વિસ્તારોના લોકોએ ગામો ખાલી ન કરવાં જોઈએ, એમ કહીને તેમણે ઉમેર્યું કે, યુદ્ધની કોઈ નિશાની સુધ્ધાં દેખાતી નથી. પંજાબીઓ શૌર્ય, હિંમત અને બહાદુરી માટે જાણીતા છે, એમ કહીને તેમણે જણાવ્યું કે, પંજાબીઓ તો ગામ ખાલી કરી દેવાને બદલે લડી બતાવશે. અત્રે યોજાયેલા ‘હલકે વિચ કૅપ્ટન’ નામના કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ભારતે કરેલા સર્જિકલ હુમલા બાદ અંકુશ રેખા પાસે કોઈ લશ્કરી હિલચાલ જ નથી!