(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી એફિડેવિટ કે જેમાં ત્રણ તલાક અને બહુપત્નીત્વ પ્રથાનો વિરોધ કરવામાં આવ્યો છે તેનો વિરોધ કરતાં જમાત-એ-ઉલેમા-એ-હિંદ (JUH) એ કહ્યું છે કે સરકારની આ ચાલ યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ તરફ એનડીએ સરકારનું પ્રથમ પગલું છે. શુક્રવારે કેન્દ્ર સરકારે ત્રણ તલાક અને બહુપત્નીત્વ પ્રથાનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે તે ધર્મના એક આવશ્યક ભાગ તરીકે ગણી શકાય નહીં. જમાત-એ-ઉલેમા-એ-હિંદ (JUH)ના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ કેન્દ્રના આ સ્ટેન્ડની તીવ્ર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે સરકાર લિંગ સમાનતાના બહાના હેઠળ મુસ્લિમ અંગત કાયદામાં દખલ કરી રહી છે અને સરકાર યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ માટે તેનો માર્ગ સ્પષ્ટ કરી રહી છે. મદનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે “મુસ્લિમોના અંગત કાયદા ઇસ્લામિક ગ્રંથો, મુખ્યત્વે કુરાન અને હદીસ પર આધારિત છે અને એ બદલી શકાય નહીં. અને તેથી આ કાયદાઓમાં દખલગીરીને કોઈ અવકાશ નથી. અમે એવા કાયદાઓ કે જે બ્રિટિશ યુગ દરમિયાનથી દેશમાં પ્રચલિત છે તેઓ વિરોધ કરીએ છીએ અને સરકારના આ પગલાને નકારીએ છીએ. આ પ્રથમ વખત બન્યું છે કે ભારતીય સરકારે મુસ્લિમ અંગત કાયદાનો વિરોધ કર્યો છે અને તેથી એ સ્પષ્ટ છે કે યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવા “તેની મહત્વાકાંક્ષા પ્રતિબિંબિત કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે JUH સૌથી જૂની મુસ્લિમ સંસ્થા છે જેણે દેશની આઝાદીની ચળવળ દરમિયાન પણ ભાગ લીધો હતો. અને મહાત્મા ગાંધી અને પંડિત નહેરુ પણ એ વાત પર સંમત થયા હતા કે લઘુમતીઓને તેમના વ્યક્તિગત કાયદાઓનું આચરણ કરવાની સ્વતંત્રતા આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે “ભાગલા દરમિયાન મુસ્લિમોને ખાતરી આપવામાં આવી હતી કે દેશમાં ધર્મનિરપેક્ષ બંધારણનો અમલ કરવામાં આવશે અને મુસ્લિમો પોતાના વ્યક્તિગત નિયમો લાગુ કરવા માટે સક્ષમ હશે. અને આ ખાતરી પછી અમે અહીં (ભારતમાં) રોકાયા પરંતુ હવે આ સરકાર આ તમામ કાયદાઓનું ઉલ્લંઘન કરીને યુનિફોર્મ સિવિલ કોડ લાદવાની તૈયારી કરી રહી છે. JUHએ એક પીઆઇએલ વિરૂદ્ધ એક પક્ષ તરીકે સુપ્રીમ કોર્ટ દ્વારા અંગત કાયદાઓમાં દખલગીરીનો વિરોધ કરી રહી છે. JUHની દલીલ છે કે સુપ્રીમ કોર્ટ મુસ્લિમ અંગત કાયદામાં લગ્ન, છૂટાછેડા અને જાળવણીની પદ્ધતિઓ કે જે વ્યક્તિગત કાયદાઓની જોગવાઈઓના મૂળભૂત અધિકારોમાં સામેલ છે તેને પડકારી શકે નહીં અને બંધારણીય માન્યતા દ્વારા તેનું પરીક્ષણ કરી શકે નહીં.
ફેબ્રુઆરીમાં કરવામાં આવેલ એક રજૂઆત બાદ કોર્ટ દ્વારા તેનો જવાબ આપવા માટે કેન્દ્રને કહેવામા આવ્યું હતું. શુક્રવારે કેન્દ્ર સરકારે એક એફિડેવિટ દાખલ કરીને મુસ્લિમ લો બોર્ડના દાવા વિરુદ્ધ કહ્યું હતું કે “ત્રણ તલાક, બહુલગ્ન પ્રથા અને નિકાહ હલાલાને ધર્મના આવશ્યક ભાગ તરીકે ગણી શકાય નહીં અને તેથી આ કાયદાઓને ધર્મના મૂળભૂત અધિકાર હેઠળ કોઈ રક્ષણ મળી શકે નહીં” દરમિયાન, કાયદો પેનલે આ સુધારા અને કુટુંબ કાયદા સુધારણા માટે જાહેર અભિપ્રાય માંગ્યો છે. મદનીએ મુસ્લિમ અંગત કાયદાને જાહેરમાં આધાર આપવા મુસ્લિમોને અપીલ કરી હતી અને વ્યક્તિગત કાયદાઓમાં દખલગીરી ન કરવા માટે મુસ્લીમોના મજબૂત સ્ટેન્ડને પ્રસ્તુત કરવા માટે મુસ્લિમોને અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે “હું ખાતરીપૂર્વક કહું છું કે દેશમાં ૯૯% મુસ્લિમો આ કાયદાઓમાં કોઈ દખલગીરી ઇચ્છતા નથી. જમાત-એ-ઉલેમા-એ-હિન્દ પર્સનલ લો બોર્ડ અને અન્ય સંસ્થાઓની મદદ સાથે મુસ્લિમો વચ્ચે જાગૃતિ અભિયાન ચાલુ કરશે અને કાયદા પેનલ સામે પોતાના મંતવ્યો વ્યક્ત કરવા માટે મુસ્લિમોને કહેવામાં આવશે.