GST બિલના બીજ ર૦૦પમાં ડો.મનમોહન સરકાર વખતે રોપાયા હતા : શક્તિસિંહ
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૯
જીએસટી બિલના મૂળ બીજ ર૦૦પમાં ઉત્તમ અર્થશાસ્ત્રી મનમોહનસિંહના નેતૃત્વવાળી સરકારમાં રોપાયા હતા તેના ૧ર વર્ષ બાદ આ જીએસટી બિલ કેન્દ્રમાં પસાર થઈ આજે આપણી વચ્ચે ચર્ચાઈ રહ્યું છે. તેમ જણાવતા વિરોધ પક્ષ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જીએસટી બિલથી સામાન્ય અને ગરીબ વર્ગને નુકસાન ન થાય અને તેના પર બોજ ના વધે તે માટે જીએસટીના દર ઓછા રાખવાનું સૂચન પણ કર્યું હતું. તો જીએસટીને લઈ ગુજરાત જેવા ઉત્પાદક રાજ્યને વાર્ષિક ૮૦૦૦ કરોડથી વધુ નુકસાન થઈ રહ્યું છે ત્યારે તે અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં વિરોધ પક્ષ તરીકે સાથ-સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હતી.
વિધાનસભામાં જીએસટી બિલ અંગેની ચર્ચામાં ભાગ લેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ જીએસટી બિલનો ર૦૦પમાં વિચાર રજૂ થયા બાદ ર૦૧૧માં નાણામંત્રી પ્રણવ મુખરજીએ જીએસટી વિધેયક રજૂ કર્યા ત્યારે તે વખતે સૌથી વધુ વિરોધ ભાજપએ કર્યો હતો. હવે પરિસ્થિતિમાં યુ-ટર્ન આવ્યો છે અને ૧ર વર્ષ પછી એ જ ભાજપે આ બિલ પસાર કરાવ્યું છે. અગાઉ ર૦૦૭થી ર૦૧૪ સુધી ગુજરાતની ભાજપ સરકારની વિરોધની જ ભૂમિકા રહી હતી. તે વખતે પ૪ જેટલી એમ્પાવર્ડ કમિટીની બેઠક મળી હતી. તેમાં તે વખતના નાણામંત્રી સૌરભ પટેલે ગુજરાતનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું અને તેમાં ગુજરાત જેવા મેન્યુફેક્ચરિંગ રાજ્યને જીએસટીને કારણે વાર્ષિક રૂા.૮૦૦૦ કરોડથી વધુનું નુકસાન થવાની વાત રજૂ કરાઈ હતી. ત્યારની આ નુકસાનની વાતના કોઈ ખુલાસા કે તેની સામે કોઈ વળતર વગેરેની વાત આવ્યા વિના જ જીએસટી બિલ લવાયું અને તેમાં ગુજરાતની ભાજપ સરકારે બધુ પતી ગયું હોય તેમ સમર્થન આપી દીધું. એટલે રાજ્યને રૂા.૮૦૦૦ કરોડનો નુકસાનનો જે મુદ્દો અગાઉ ઉભો કરાયો હતો તે સત્તા પલટી બાદ પોતાની સરકાર આવતા અને આ બિલ લવાતા બધુ ભૂલી જવાયું. વધુમાં તેમણે બિલના ડ્રાફટીંગની ક્ષતિઓનો પણ ઉલ્લેખ કરી તેમાં કોંગ્રેસ દ્વારા જ ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમ જણાવતાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકારોને એક ટકો વધારાનો ટેક્ષ લેવાની વાત હતી તેનું ધ્યાન દોરતાં કોંગ્રસે ગંભીરતા જણાવી હતી કે એક રાજ્યથી બીજા રાજ્યમાં આગળ વધતા એક એક ટકો વધતો રહે તેવો ટેક્ષમાં ખાસ્સો એવો વધારો થાય (એકથી વધુ રાજ્યોમાં) આ ભૂલને કેન્દ્રના ચીફ ઈકોનોમિકલ એડવાઈઝરે પણ સમર્થન આપ્યું એટલે તેનો બિલમાં સુધારો કરવો પડ્યો અને એક ટકા વધારાના ટેક્ષની સત્તા દૂર કરવી પડી. વધુમાં જીએસટીનું હૃદય કહેવાય તેના પર વાત કરતાં તેમણે કહ્યું કે નાણામંત્રીના પ્રયત્નો હોય કે રાજ્યની રેવન્યુ વધે તે ખોટું પણ નથી પરંતુ તેમાં પ્રજાને પણ નજર સમક્ષ રાખવી પડે. જીએસટીએ ઈનડાયરેક્ટ ટેક્ષ છે. દુનિયાભરના દેશો ઈનડાયરેક્ટ ટેક્ષ ઘટવો જોઈએ તેવા ધોરણો અપનાવે છે. કેમ કે ઈનડાયરેક્ટ ટેક્ષ વધે તો તેનો માર ગરીબ અને શ્રીમંત બંનેને પડે. શ્રીમંતનો વાંધો ન હોય પરંતુ ગરીબને તે અસર કરશે. એટલે દુનિયાભરમાં જીએસટીનો એવરેજ ટેક્ષ ૧૬.૮ ટકા છે ત્યારે આ જીએસટી બિલ જે ભાજપ લાવી છે તેમાં જો કે હજુ કાઉન્સિલે જીએસટી રેટ, વગેરેની ટકાવારી નક્કી કરવાની બાકી છે. ત્યારે આજની પરિસ્થિતિ જોતાં ગુજરાતની પ્રજા પર જીએસટીનો ૧૮ ટકા એવરેજ ટેક્ષ આવશે તેનાથી ફુગાવો વધશે. માટે નાણામંત્રી કાઉન્સિલમાં આ અંગે રજૂઆત કરી જીએસટીનો રેટ ઘટે તેવા પ્રયાસો કરે તેવું સૂચન કરૂં છું. બીજો મુદ્દો તેમણે વેટની દર વર્ષે આવકમાં જેટલો વધારો થાય છે તેની સામે ગુજરાતને જીએસટીને કારણે મોટાપાયે નુકસાન થવાનો મુદ્દો પણ ઉપસ્થિત કરી રજૂઆત કરી હતી.