(એજન્સી) તા.૮
એમેનેસ્ટી ઇન્ટરનેશનલ ગુરૂવારે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે ઇઝરાયેલની ગેરકાયદેસર વસાહતોમાં ઉત્પાદન કરવામાં આવતા પ્રોડક્ટની આયાત અને નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ. જેથી ઇઝરાયેલ દ્વારા વર્ષોથી આચરવામાં આવતી હિંસાને ફ્યુઅલ સમાન બની રહેતી અઢળક રૂપિયાની કમાણી બંધ થાય. એમેનેસ્ટીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને આગ્રહ કર્યો છે કે તેઓ ઇઝરાયેલથી આવતી પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરે.
ઇઝરાયેલ દ્વારા વેસ્ટ બેન્ક, પૂર્વ જેરૂસલેમ અને ગાઝા સ્ટ્રીપ પર કબ્જો કરવાની પ૦મી વર્ષગાંઠના અવસરે એમેનેસ્ટી ઇન્ટરનેશનલ નવા અભિયાનની શરૂઆત કરી છે. જેમાં તેણે કહ્યું છે કે દુનિયાભરના દેશોએ ઇઝરાયેલની ગેરકાયદેસર વસાહતોમાંથી ઉત્પાદિત થઇને આવતી પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ. આવી પ્રોડક્ટનું વેચાણ બજારોમાં ન થવું જોઇએ. જેથી ગેરકાયદેસર વસાહતોનું વિસ્તરણ પણ બંધ થશે અને ઇઝરાયેલને મોટો ફટકો પહોંચશે.
તમને જણાવી દઇએ કે ઘણાં લાંબા સમયથી છ દિવસના યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે પેલેસ્ટીનમાં આવતા વેસ્ટ બેન્ક, પૂર્વ જેરૂસલેમ અને ગાઝા સ્ટ્રીપ પર કબ્જો કરી લીધો હતો. જોકે આજે પણ તેના પર ઇઝરાયેલ જ શાસન કરે છે. ત્યાં લાખો ઇઝરાયેલી વસાહતો ગેરકાયદેસર રીતે કબ્જો કરીને વસવાટ કરી રહ્યા છે. વર્ષોથી સમગ્ર દુનિયા જોઇ રહી છે કે ઇઝરાયેલ તેના નફા માટે પેલેસ્ટાઇનની જમીન અને ત્યાંના સંસાધનોનો ઉપયોગ કરી રહ્યો છે અને પેલેસ્ટાઇનને બરબાદ કરવામાં તેણે કોઇ કસર બાકી રાખી નથી. એમેનેસ્ટી ઇન્ટરનેશનલના મહાસચિવ સલીલ શેટ્ટીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે દાયકાઓથી ઇઝરાયેલ પેલેસ્ટીનીઓની મિલકતો તથા ત્યાંના નાગરિકોને નુકસાન પહોંચાડી રહ્યો છે. તેના કારણે પેલેસ્ટીનનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે. ત્યાં ઇઝરાયેલની ખરાબ રણનીતિઓ અને વ્યૂહરચના પેલેસ્ટીનના નાગરીકો પર શાસન કરી રહી છે.
પ૦ વર્ષ સુધી કબ્જો તેમ છતાં ઇઝરાયેલ તેની સરહદો વધારવા માગી રહ્યો છે. તે પોતાની ગેરકાયદે વસાહતોનું વિસ્તરણ કરવા માગે છે જે ખરેખર વખોડવા લાયક છે. આ જ સમય છે જ્યારે દેશે પગલાં ભરીને કોઇ કડક એક્શન તો દેખાડવું જ જોઇએ. જેનાથી આવી ગેરકાયદે વસાહતોને ફાઇનાન્સ મળવાનું બંધ થાય અને આંતરરાષ્ટ્રીય કાયદા તથા યુદ્ધ ગુનાનો ભંગ ન થાય.