સૌની યોજના અંતર્ગત બોટાદમાં આજે મોદી લોકાર્પણ થકી નર્મદા નીરના વધામણા કરશે

બોટાદના કૃષ્ણસાગર તળાવ અને ગઢડા તાલુકાના ભીમડાદ જળાશય ભરાશે

(સંવાદદાતા દ્વારા)                                             ગાંધીનગર,તા.૧૬

બોટાદ શહેર અને જિલ્લાની પ્રજા જેની પ્રતિક્ષા કરી રહી હતી તે સોની યોજના અંતર્ગત બોટાદના કૃષ્ણસાગર તળાવ અને  ગઢડા તાલુકામાં ભીમડાદ જળાશયમાં નર્મદાના પાણી વહેતા કરવાનો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થશે એટલે કે નર્મદાના નીરના વધામણા કરાશે. જયારે બીજી તરફ ચૈત્ર મહિનાની કાળઝાળ ઉનાળાની ગરમીમાં સૌની યોજના અંતર્ગત બોટાદના કૃષ્ણસાગર તળાવ જઈ ભીમડાદ જળાશયમાં નર્મદાના નીરનો ધસમસતો પ્રવાહ આજે પહોંચતા આસપાસના ગ્રામજનો ખુશીથી ઝૂમી ઉઠયા હતા. બોટાદ શહેર અને જિલ્લાની જનતા જેની દિવસોથી પ્રતિક્ષા કરી રહી હતી તે ઘડી આખરે આવી પહોંચી છે સૌની યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે સાંજે ૪.૩૦ વાગ્યે કૃષ્ણસાગર તળાવના તાલુકા ભીમડાદ જળાશયમાં નર્મદાના નીરને વહેતા કરાશે.નર્મદાના નીર કૃષ્ણસાગર તળાવમાંથી ગઢડા તાલુકાના ભીમડાદ ગામ પાસે આવેલા ભીમડાદ ડેમ તરફ વહેતા થશે. નર્મદાના પાણીથી ભરેલા કૃષ્ણસાગર તળાવ ઉપરાંત ભીમડાદ જળાશયના લોકાર્પણ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌની યોજના તબકકા-રનો આ પ્રારંભ પણ કરશે. આ  તબકકા-ર અંતર્ગત આગામી દિવસોમાં માલપરા, કાળુભાર, ભાવનગર જિલ્લાના રંધોળા, રજાવળ, ખારો, શેત્રુંજી, હણોલ વગેરે જળાશયો ભરવા માટેની દિશા ખુલશે. આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ બંને કાર્યક્રમોના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત જનમેદનીને વડાપ્રધાન સંબોધશે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મુખ્ય મહેમાન પદે યોજાનાર આ સમારોહમાં કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પુરૂષોત્તમ રૂપાલા, ઉપરાંત રાજય સરકારના મંત્રીઓ, સાંસદો ધારાસભ્યો સહિતના અનેક મહાનુભાવો અને વિશાળ જનમેદની ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છેકે સૌની યોજનાના બીજા તબકકામાં ભીમડાદથી શેત્રુંજી૭૪ કિ.મી. સુધીની પાઈપ લાઈન મારફત બોટાદ તથા  ભાવનગર જિલ્લાના વધુ ૭ ડેમો ભરવાનું આયોજન છે. દરમ્યાન સોની યોજના અંતર્ગત નર્મદાના ધસમસતાનીર ગઢડા તાલુકાના ભીમડાદ ગામ પાસે, ભીમડાદ જળાશયમાં પહોંચતાનીસાથે ગ્રામજનોમાં હર્ષ અને ઉલ્લાસના સર્જાયેલા દૃશ્યોએ સાચે જ જળએ જ જીવનની ઉકિતને ચરિતાર્થ કરી છે. છેલ્લા બે દિવસથી સૌની યોજના અંતર્ગત લીંબડી ભોગાવો-ર વસ્તડીથી કાનિયાડ-બોટાદના કૃષ્ણસાગર તળાવ થઈ ગઢડા તાલુકાના ભીમડાદ સુધીની કુલ પ૧ કિ.મી. ભૂગર્ભ પાઈપલાઈન દ્વારા ભીમડાદ જળાશયમાં નર્મદા મૈયાનો ધસમસતો જળપ્રવાહ પહોંચ્યો ત્યારે ગ્રામજનો આનંદના હિલોળે ચડયા હતા.ભીમડાદ પાસે જયાંથી નર્મદાનો ધસમસતો પ્રવાહ ભીમડાદ જળાશય તરફ વહેતો હતો એ સ્થળે ભીમડાદ અને આસપાસના ગ્રામજનો આબાલ  વૃધ્ધ નર્મદા મૈયાના નીરને માથે ચડાવ્યા હતા. અને વહેતા પ્રવાહમાં ડૂબકી મારી આનંદ મેળવ્યો હતો. નાહતા નાના બાળકોનો આનંદ ઉલ્લાસ પણ શમ્યો સમાતો નહોતો ગ્રામજનોના કહેવા પ્રમાણે સૌની યોજના અંતર્ગત ભીમડાદ જળાશયમાં નર્મદાના પાણી વહેતા થતા આસપાસના ૧૦થી વધુ ગામોમાં ગ્રામજનો આનંદના હિલોળે ચડયા છે.  ઘેર-ઘેર લાપસીના આંધણ મુકાયા છે. નર્મદાના વહેતા પ્રવાહને વધાવતા  ગ્રામજનોએ પોતાના હર્ષ અને ઉલ્લાસની  લાગણી વ્યકત  કરી આનંદભેર પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, જયારે સૌની યોજના અંતર્ગત ભીમડાદ જળાશયને નર્મદાના પાણીથી ભરવાના આયોજનની અમને જયારે ખબર પડી ત્યારે માન્યામાં નહોતું આવતું કે આવી રીતે જળાશયને નર્મદાના  પાણીથી ભરી શકાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks