વડાપ્રધાને ગરીબો વિરૂદ્ધ જ યુદ્ધ છેડી દીધું : રાહુલ

નવીદિલ્હી,તા. ૧૩

નોટબંધીના મામલા પર કોંગ્રેસ નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પી ચિદમ્બરમે આજે સરકાર ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સામસામે આક્ષેપબાજીનો દોર આજે પણ યથાવતરીતે જારી રહ્યો હતો. એકબાજુ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેશલેસ ઇકોનોમી માટે હાથ ધરવામાં આવેલી પહેલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને આને લઇને મોદીની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, સોસાયટી પહેલાથી જ કેશલેસ બની ચુકી છે. ઉત્તર પ્રદેશમાં દાદરી અનાજ મંડીમાં લોકો સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીની પહેલ મોડેથી આવી છે. બ્લેકમનીની સામે લડત ચલાવવાની વાત થઇ રહી છે. આતંકવાદ સામે લડત ચલાવવાની વાત પણ કરાઈ હતી અને હવે સોસાયટીને કેશલેસ બનાવવાની વાત થઇ રહી છે. ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન સમાજને કેશલેસ બનાવવાની વાત કરી રહ્યા છે પરંતુ સમાજ પહેલાથી જ કેશલેસ છે. આ નવી હિલચાલના કારણે તો લોકો પરેશાન થયેલા છે. ઇમાનદાર લોકોને માત્ર થોડાક હજાર રૂપિયા જ મળે છે જ્યારે ભ્રષ્ટ લોકો પાછલા બારણેથી કરોડો રૂપિયા બેંકમાંથી ઉપાડી રહ્યા છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે, ૮મી નવેમ્બરના દિવસે મોદીએ ગરીબ લોકો સામે એક પ્રકારનું યુદ્ધ છેડી દીધું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, મોદી સમય સમયે તેમના ઉદ્દેશ્યો બદલી રહ્યા છે. ભ્રષ્ટાચાર અને બનાવટી નોટનો અંત લાવવા માટે આ હિલચાલ હાથ ધરાઈ હતી પરંતુ એક મહિનો પસાર થયા બાદ હવે અન્ય ઉદ્દેશ્યો આવી ગયા છે જેમાં  આતંકવાદ સામેની લડાઈ, કેશલેસ અર્થતંત્રનો સમાવેશ થાય છે. ગાંધીએ બેંકોમાં પાછલા બારણેથી ચાલી રહેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઇમાનદાર લોકોને ઓછા રૂપિયા મળી રહ્યા છે જ્યારે કરોડપતિઓને જંગી નાણા મળી રહ્યા છે. બેંકો અને એટીએમ ઉપર લાંબી લાઈનો હજુ પણ જોવા મળી રહી છે. ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, શુટબૂટ કી સરકાર તરીકે આ સરકાર કામ કરી રહી છે. દરમિયાન રાહુલની સાથે સાથે પી ચિદમ્બરમે પણ મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, હાઈવેલ્યુની નોટ ઉપર પ્રતિબંધ મુકતા પહેલા મોદીએ કોઇની સાથે વાત કરી નહતી. તેમના પોતાની વ્યક્તિ યશવંતસિંહા સાથે વાત કરવાની જરૂર હતી જેથી મિસમેનેજમેન્ટને ટાળવામાં સફળતા મળી હોત. નોટને રદ કરવાનો નિર્ણય એક મોટા કૌભાંડ તરીકે નિકળશે. આના કારણે અર્થતંત્રમાં લોકોનો વિશ્વાસ ભાંગી પડ્યો છે. નાગપુરમાં પત્રકાર પરિષદને સંબોધતા ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે, સરકારે યશવંતસિંહા સાથે ચોક્કસપણે વાત કરવાની જરૂર હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાથે પણ વાત કરી શક્યા હોત. ચિદમ્બરમે આક્ષેપોનો મારો ચલાવતા કહ્યું હતું કે, ઉદ્દેશ્યો હવે સતત બદલાઈ રહ્યા છે. માત્ર ગરીબ લોકોને જ સજા થઇ રહી છે. બ્લેકમનીને રોકવા માટે એકમાત્ર રસ્તો નોટબંધીનો નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts