અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાત દ્વારા-સર્વધર્મ સમભાવ કોન્ફરન્સ યોજાઈ
આપણી વચ્ચે કોમ્યુનિકેશન બંધ થવાથી આપણે માર ખાઈ રહ્યા છીએ; ‘ગુજરાત ટુડે’ લોકોને જોડવાનું કામ કરે છે : સુહેલ તિરમીઝી
અમદાવાદ, તા.૧
સાચા ધાર્મિક લોકો એકતા માટે કામ કરી શકે છે બીજા નહીં. ધર્મના નામે વોટ માંગનાર ધર્મ પ્રત્યેથી લોકોની આસ્થા ઓછી કરી રહ્યા છે. એમ ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે રવિવારના રોજ યોજાયેલ સર્વધર્મ સમભાવ કોન્ફરન્સમાં અધ્યક્ષ સ્થાનેથી મૌલાના કલીમ સિદ્દીકીએ સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપતાં એસ.જી.વી.પી. છારોડીના સ્વામી માધવ દ્રીપદાસજીએ તર્કોની જાળથી દૂર દૂર રહેવાની વાત કરતા જણાવ્યું હતું કે પરસ્પરનો આદર, પ્રેમ અને સત્કાર એ જ આજની સમસ્યાઓનું સમાધાન છે જ્યારે ભારતી આશ્રમ સરખેજના ભારતી મહારાજે માનવને માનવ સાથે જોડવાનું કામ કરે તે ધર્મ અને તોડવાનું કામ કરે તે અધર્મ તેમ જણાવ્યું હતું જ્યારે ભરૂચના મુફ્તી અબ્દુલ્લાહ મઝાહીરીએ ઈસ્લામની રોશનીમાં એકેશ્વરવાદની વાત પર પ્રકાશ પાડ્યો હતો જ્યારે આનંદ આશ્રમ પાલડીના પ્રદીપ મહારાજે બંને કોમના લોકોએ વારંવાર મળવાની વાત પર ભાર મૂકી આપણી મુશ્કેલીઓનું કારણ આપણે મળતા નથી એ છે તેમ કહીં આપણી વચ્ચેની શંકાઓ દૂર થાય તે જરૂરી છે. તેમ જણાવ્યું હતું જ્યારે ઈસ્લામ દર્શન કેન્દ્રના સેક્રેટરી ઈકબાલ મીરઝાએ આવા કાર્યક્રમો વારંવાર યોજાવાની વાત પર ભાર મૂક્યો હતો. જ્યારે જાણીતા પત્રકાર ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે ટોળાશાહીની જરૂર નથી. ક્યા મસ્જિદ અને મંદિર બને અને બીજા તેનો લાભ લે તેની જરૂર નથી આજે જરૂર છે એકતાની જ્યારે જાણીતા એડવોકેટ અને લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટના ઉપપ્રમુખ સુહેલ તિરમીઝીએ જણાવ્યું હતું કે આપણી વચ્ચે કોમ્યુનિકેશન બંધ થવાથી આપણે માર ખાઈ રહ્યા છીએ. “ગુજરાત ટુડે” તમામ વર્ગના લોકોને જોડવાનું કામ કરે છે. જ્યારે દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે દેશમાં ધાર્મિક ધ્રુવીકરણનો સમય ચાલી રહ્યો છે દુશ્મનો એવું ઈચ્છે છે કે હિન્દુ-મુસ્લિમ વચ્ચેના સંવાદો બંધ થાય. જ્યારે સરખેજ રોજા કમિટીના પ્રમુખ અબરાર અલી સૈયદે ધર્માંધ થવાથી માણસ પોતાના મકસદથી દૂર થતો જાય છે. તે વાત ભાર મૂકી જણાવ્યું હતું કે દરેક માણસ ધાર્મિક હોવો જોઈએ ધર્માંધ નહીં. તદ્ઉપરાંત ગાયત્રી પરિવારના પ્રવિણભાઈ પટેલ, મુફ્તી અબ્દુલ કૈયુમ મન્સુરી, ગુજરાત રોહિત સમાજ સંગઠનના પંકજ કુમાર ઝાલા તેમજ ઘનશ્યામભાઈ ગઢવી, અનુપ મંડળના અધ્યક્ષ અમૃતભાઈ પ્રજાપતિએ પ્રસંગોચિત વાત કહી હતી. આ પ્રસંગે અનઉપસ્થિત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, શહેરના પોલીસ કમિશનર પોતાની શુભેચ્છા પાઠવી હતી જ્યારે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદભાઈ પટેલ આ કાર્યક્રમ યોજવા બદલ શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે સર્વધર્મ સમભાવ જ ભારતને વિશ્વ લીડર બનાવશે. આ કોન્ફરન્સને સફળ બનાવવામાં ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફ્તી રિઝવાન તારાપુરી, જનરલ સેક્રેટરી અબ્દુલ હફીઝ લાખાણી અને યુનુસખાન સહિતના અગ્રણીઓ જવાબદારીપૂર્ણ કામગીરી અદા કરી હતી.