સોમનાથ-કોડીનાર નેશનલ હાઈવે અતિ બિસમાર : ઠેર-ઠેર મોટા ગાબડાં

કોડીનાર, તા. ૧૧
કોડીનાર-ઉના-ગીરગઢડા તાલુકાને સૌરાષ્ટ્ર અને અમદાવાદ સાથે જોડતો સોમનાથ-કોડીનાર નેશનલ હાઈવે અતિ બિસમાર બન્યો છે. રોડ ઉપર ઠેર-ઠેર મસમોટા ગાબડાઓ પડતાં વાહન ચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે હાઈવે ઓથોરિટી સત્વરે મરમ્મત કરાવે તેવી લોક માગણી ઉઠવા પામી છે.
સોમનાથ-ભાવનગર વચ્ચે ફોર ટ્રેક નેશનલ હાઈવે બની રહ્યો છે. જેમાં સોમનાથ-કોડીનાર નેશનલ હાઈવેની હાલત ભારે વરસાદ બાદ અતિ બિસમાર બની છે. હાઈવે ઉપર મોટા ખાડા પડતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે. સોમનાથથી કોડીનારનો ૪૦ કિ.મી.નો રોડ કાપતા રાહદારીઓના કમર સહિતના હાડકાઓ હલબલી જાય છે. કોડીનાર-ઉનાના દર્દીઓ રાજકોટ-અમદાવાદ દવાખાને જાય છે. ત્યારે આ રોડ ઉપરથી પસાર થતાં દર્દીઓની હાલત દયનીય બની જાય છે. આ ઉપરાંત કોડીનારને વેરાવળ સાથે જોડતા સોમનાથનો હિરણ નદીનો પુલ તો અતિશય બિસમાર બન્યો હોય, પુલ ગમે ત્યારે તુટી પડે તેવી સંભાવના છે ત્યારે ફોરટ્રેક બનતા હજુ ર વર્ષ જેટલો સમય લાગે તેમ છે. ત્યારે શું ત્યાં સુધી લોકોને આવી રીતે જ સહન કરવાનું છે ? સોમનાથ-કોડીનાર હાઈવે ઉપર મોટા પ્રમાણમાં વાહનોની અવર-જવર રહે છે અને ખરાબ રોડના કારણે અહીં અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. આ રોડ ઉપર ઉડતી ધૂળ ડમરીના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ રહ્યું હોય, રાહદારીઓ સાથે ખેડૂતોમાં પણ ભારે રોષ છવાયો છે.
આ રોડ ઉપરથી ઘણા રાજકીય માંધાતાઓ પસાર થઈ રહ્યા હોવા છતાં રાજકરણીઓનું પેટનું પાણી હલતું નથી ! હમણા થોડાક દિવસો પહેલા જ કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડળિયા પણ આ રોડ જોયા હોવા છતાં કોઈ પગલા ન ભરતાં લોકોમાં ભારે રોષ છવાયો છે. ત્યારે સોમનાથ-કોડીનાર નેશનલ હાઈવેને ફરીવાર બનાવવા અથવા જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી રોડને રીપેરીંગ કરી લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માગણી ઉઠવા પામી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks