(એજન્સી) બેંગ્કોક, તા.૩
થાઇલેન્ડની ગુફામાં નવ દિવસ સુધી ફસાયા બાદ ૧૨ કિશોર ફૂટબોલ ખેલાડીઓ અને તેમના કોચને જીવિત શોધી કઢાયા છે. બચાવકર્મીઓએ તેમને ભોજનની વ્યવસ્થા કરી આપી હતી. છેલ્લા નવ દિવસથી થાઇલેન્ડની એક ગુફામાં ફસાઇ ગયેલા આ ખેલાડીઓ અને તેમના કોચ જીવિત મળી આવ્યા હતા. જોકે, તેઓ ગુફામાં કેવી રીતે જીવિત રહ્યા તે હજુ જાણી શકાયું નહોતું. થાંગ લુઆંગ નાંગ નોન નામની ગુફામાં જ્યારથી આ જૂથ ફસાયું હતું ત્યારથી ચીન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટન જેવા આંતરરાષ્ટ્રીય દેશોની મદદ લેવામાં આવી હતી. અમેરિકન નેવી સીલ દ્વારા ફેસબૂક પર એક વીડિયો શેર કરાયો હતો જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં દર્શાવાયું હતું કે, આ જૂથને જમીનની અંદર ૧૦ કિલોમીટર દૂર એક નાનકડા પથ્થર પર દેખાઇ રહ્યું છે. આ ગુફા જ્યાં આવેલી છે તે ચિયાંગ રાઇ પ્રાંતના ગવર્નર નારોંગસાક ઓસ્સોથાનાકોર્ને કહ્યું હતું કે, અમે હવે નજીક આવી ગયા છીએ અને અહીથી તેમને છોડી દેવા માગતા નથી.