(એજન્સી) તા.પ
ઇરાકી સેનાના કમાન્ડરે જણાવ્યું કે અમારી સેના મોસુલના બાકી રહેલા વિસ્તારોમાં પણ આઇએસના આતંકીઓનો ખાત્મો બોલાવવા આગળ વધી રહી છે ત્યારે આઇએસના આતંકીઓ મોસુલમાં મોત સામે ઝઝુમી રહ્યાં છે. ઇરાકના ગઠબંધનવાળી કાઉન્ટર ટેરરેઝિમ સર્વિસ (સીટીએસ)ના વરિષ્ઠ કમાન્ડર સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ અબ્દુલગની અલ અસાદીએ જાહેરાત કરી હતી કે ટાઇગ્રીસ નદી હવે ઇરાકની સેનાથી ફક્ત રપ૦ મીટરના અંતરે જ રહી ગઇ છે. સેનાએ ટાઇગ્રીસ નદીની નજીકના શહેરના મુખ્ય હોસ્પિટલ પર કબજો જમાવી લીધો છે. અહીંથી પણ આતંકીઓને પરાજિત કરી દેવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે ટાઇગ્રીસ નદી પૂર્વ અને પશ્ચિમ પ્રાંતના બે ભાગ પાડે છે. તેઓ કહે છે કે આતંકીઓ દ્વારા સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે તેઓ તેમના વિસ્ફોટકોનો ઉપયોગ કરીને સેનાને અવરોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેના કારણે સંઘર્ષ વધતો જઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે ઇરાકી સેનાએ જાન્યુઆરીમાં જ ૧૦૦ દિવસના સંઘર્ષ બાદ પૂર્વ મોસુલ પ્રાંત પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ ૧૯ ફેબ્રુઆરીના રોજ ઇરાકી ગઠબંધનની સેનાએ પશ્ચિમ મોસુલ પ્રાંતને કબજે કરવા માટે લડત શરુ કરી દીધી હતી. જોકે હવે એવા અનુમાન લગાવાઇ રહ્યાં છે આગામી અમુક દિવસોમાં જ આ પ્રાંત પણ કબજે કરી લેવામાં ઇરાકી સેના સફળ રહેશે. ઇરાકના વડાપ્રધાન હૈદર અલ અબાદીએ પણ મીડિયા સમક્ષ કહ્યું હતું કે મહિનાઓ ચાલેલી લાંબી લડાઇ બાદ આખરે સેનાએ મોસુલ પર કબજો કરી લીધો છે અને લોકોએ આતંકીઓને સફળ રીતે ફગાવી દીધા છે. અમે સાબિત કરી દીધું કે મોસુલના નાગરિકો અમારી સાથે છે અને તેઓ આતંકવાદના ટેકેદાર નથી. તેમણે કહ્યું કે આતંકીઓ સાથેની લાંબી લડાઈમાં ધરાશાયી થયેલી મિલકતો અને લોકોના મકાનોને પુનઃસ્થાપિત કરવા માટે મેં આદેશ આપી દીધા છે. તદઉપરાંત ઇરાકી રેપિડ રિસ્પોન્સ ડિવિઝન આંતરિક બાબતોના મંત્રાલયના એકમે કહ્યું કે ઇરાકી સેનાથી પ૦ મીટરના અંતરે હવાઇ હુમલા કરવામાં આવી રહ્યાં છે. કેમ કે અમુક પોઈન્ટ ક્લિયર કર્યા બાદ બંને પક્ષો એટલે કે સેના અને આતંકીઓ સામ સામે આવી જશે. હાલ આતંકીઓ સેના સામે હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરી રહ્યાં છે. કમાન્ડરે જણાવ્યું કે હજુ પણ આતંકીઓએ આ વિસ્તારમાં ૧૦ હજારથી વધુ નાગરિકોને બંધક બનાવી રાખ્યાં છે અને તેમને પાણી, ખોરાક, દવાઓની તકલીફ પડી રહી છે. આ લોકોમાં મોટાભાગના લોકો બીજા શહેરોના નાગરિકો છે તેમને માનવઢાલ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યાં છે.