(એજન્સી) માલેગાંવ, તા.૧૦
મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય દ્વારા એકતાના પ્રચંડ પ્રદર્શન બાદ, રાજ્યના કાપડ નગર માલેગાવમાં મુસ્લિમો સમુદાય માટે આરક્ષણની માગણી કરવા માટે યોજાયેલી એક વિશાળ રેલીમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.
આ રેલીમાં સેંકડો હિન્દુઓ સહિત આશરે એક લાખ લોકોએ ભાગ લીધો હતો. માલેગાંવમાં શુક્રવારે સાંજે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે આરક્ષણની માગ કરતાં એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. આ રેલીનું નેતૃત્વ અઢારમી સદીના ભારતના મહાન યોદ્ધા ટીપુ સુલ્તાનના વંશજ સૈયદ મન્સુર અલી ટીપુ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં તેમણે જણાવ્યું હતું કે, “ટીપું સુલતાનની સેનામાં મુસ્લિમોની જેમ જ બિન મુસ્લિમો પણ સમાન રીતે ભાગીદાર હતા. એ જ રીતે, આ સરકારે પણ મુસ્લિમોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં સમાન તકો પૂરી પાડવી જોઈએ”.
આ રેલીમાં સેંકડો મરાઠા લોકોએ પણ રેલી હાજરી આપી હતી. અને અનેક હિન્દુઓએ આ મુસ્લિમ રેલીમાં રોડની આસપાસ પાણીના પરબ ચાલુ રાખ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય આસિફ શેખે આ રેલીને સંબોધન કરતાં કહ્યું હતું કે બોમ્બે હાઈ કોર્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે તે આરક્ષણ મુસ્લિમ સમુદાયને માટે આપવું જોઈએ. તેમણે મુસ્લિમ અંગત કાયદામાં દરમિયાનગીરી ન આક્રવા સરકારને વિનંતી કરી હતી.
તેમણે એવી જાહેરાત પણ કરી હતી કે “જો સરકાર અમારી આ આરક્ષણની માંગ તરફ ધ્યાન નહીં આપે તો અમે નવેમ્બરમાં નાસિકમાં આવી અન્ય એક રેલીનું આયોજન કરશું”.
આ અગાઉ મંગળવારે, તેઓએ શુક્રવારની આ રેલીને ભવ્ય રીતે સફળ બનાવવા માટે અપીલ કરવા માટે અને એ વિશે ચર્ચા કરવા માટે સમુદાય દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સંગઠનો, નગરના રાજકીય અને બિન રાજકીય નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. મુસ્લિમ ઉલેમાઓ, બૌદ્ધિકો, રાજકીય નેતાઓ અને કાર્યકરોએ આ સામૂહિક રેલી માટે પોતાનો ટેકો જાહેર કર્યો હતો.