ટુકડા ફેંકી ચૂંટણી જીતવાનો માર્ગ અપનાવનારા દુકાળમાં ખાડા કરાવી મત માગતા

અરવલ્લીના મોડાસામાં અગાઉના કોંગ્રેસ શાસન અંગે આકરા પ્રહારો કરતા વડાપ્રધાન મોદી

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, મોડાસા, તા.ર૯

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડાસામાં લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત ટેકનોલોજીના ઉપયોગ થકી ૬પ માળના મકાનની ઊંચાઈ સુધી નદીને લઈ જઈને  મારૂતિકાર ચલાવી શકાય એટલી જંગી અને મોકળી પાઈપલાઈન બિછાવીને ચમત્કાર કર્યો છે. તેવા જળવ્યવસ્થાપનને ઈજનેરી કોલેજીસના અભ્યાસક્રમમાં સમાવેશ કરવા અનુરોધ કર્યો હતો તે સાથે તેમણે કોંગ્રેસ ઉપર પ્રહારો કરવાની  તક જતી ના કરતાં જણાવ્યું હતું કે એક જમાનામાં દુષ્કાળમાં ખાડા કરાવીને મત માગવામાં આવતા હતા. ટુકડા ફેંકીને ચૂંટણીઓ જીતવી એ રસ્તો અમે ન  અપનાવ્યો. અમે ટૂંકાગાળાના થાગડથીગડ કામો નથી કર્યા. આ માત્ર કોઇ પાઇપલાઇન કે કોઇ પાણી એવો મર્યાદિત કાર્યક્રમ નથી એમ જણાવતાં વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે જેમ શરીરમાં શિશ અને ધમની દ્વારા રકત શરીરના ખૂણે ખૂણે પહોંચતું હોય છે અને શરીર ઉત્તરોતર વિકાસ કરતું જતું હોય છે અને શરીરના કોઇ ભાગમાં શિરા કે ધમની રકતનો પ્રવાહ બંધ થઇ જાય તો શરીરનો એ ભાગ લકવો મારી જાય છે; પાણી પણ જયાં જયાં પહોંચે ત્યાં જીવંતતા હોય છે અને જયાં પાણીનો અભાવ હોય ત્યાં નીર્જીવતા હોય છે એટલે જયારથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની સેવા કરવાનો મોકો મળ્યો છે. ભાજપે જેટલી સરકાર બનાવી અને તમે જેટલો સમય આપ્યો અમે થાગડથીંગડ કામો નથી કર્યા ટુકડાઓ ફેંકી ફેંકીને ચૂંટણીઓ સાચવી લેવી એ રસ્તો અમે નથી અપનાવ્યો. ‘સમગ્ર દેશમાં ગુજરાતના વિકાસ મોડેલની ચર્ચા શા માટે થાય છે કારણ કે ટૂંકાગાળાના રાજકીય સ્વાર્થવાળા થાગડથીંગડ કામો અને રૂપિયા સગેવગે કરવાના રસ્તા એ બધું બંધ કરીને સચોટ પાકા પાયાના કામ કરવા માટે આપણે આગળ વધ્યા. એના કારણે એ શકય બન્યું. જો ગુજરાતનો સર્વાંગી વિકાસ કરવો હોય તો જેમ શિશ અને ધમનીમાં લોહી વહે એમ ગુજરાતના ખૂણે ખૂણે પાણી વહેતું થાય તો જ ગુજરાતનો સ્થાયી અને કાયમી વિકાસ થાય. અંધારું, મુસીબત, પાણીનો અભાવ, દુષ્કાળ, બસ ન આવે, રોડ ન હોય, સાયકલ ન ચાલે એ દિવસો કેવા હોય એ યુવાનોએ જોયા નથી. મારી વડીલોને વિનંતી છે કે ઘરમાં બેસીને યાદ તો કરાવો અંધારાના એ દિવસો, વરસાદ વગર વલખાં મારવાના એ દિવસો જયાં સુધી એ વિકરાળ દિવસો યાદ નહીં કરીએ ત્યાં સુધી આ પાણીનું મૂલ્ય નહીં સમજાય અને એટલા માટે આ લોકશિક્ષણ જરૂરી છે.’ આપણે ઇ નેશનલ એગ્રી માર્કેટની વ્યવસ્થા કરી છે. ચારસો માર્કેટ ઇ નામ સાથે જોડયા છે એમાં મોડાસાનું એપીએમસીમાં પણ છે. ખેડૂત નકકી કરી શકે કે પંજાબ, ચેન્નઇ અને અન્યત્રે કઇ બજારમાં કયો માલ કેટલા ભાવે વેચાય છે અને પોતે પોતાનો માલ જયાં વધુ પૈસા મળે ત્યાં મોબાઇલ ફોનથી વેચી શકે અને પૈસા મેળવી શકે. આવું ઇનામ પ્લેટફોર્મ ઊભું કર્યું છે. હવે ખેડૂત નકકી કરશે કે કયો માલ વેચવો છે. દેવની મોરી ખાતે બુદ્ધનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે. તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે મોડાસાના અત્યાધુનિક બસ સ્ટેન્ડના લોકાર્પણ અને દેશભરના બસ સ્ટેન્ડ અત્યાધુનિક બનાવવામાં આવશે. એરપોર્ટ કરતા પણ બસ સ્ટેન્ડ ભવ્ય લાગશે. સુજલામ સુફલામ યોજનાથી ગુજરાતના ખેડૂતો ત્રણ સીઝન પાક લેતા થયા. કિસાન સમ્પદા યોજના બનાવી ખેડૂતોના પાક સાથે પાંદડા, સાંઠા દ્વારા ખાતર બનાવી સંપૂર્ણ વળતર મળશે અને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના દ્વારા ખેડૂતોને તેમની ખેતીને રક્ષણ આપવાની સાથે તેના વિમાના ૯પ ટકા પ્રિમિયમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચૂકવશે તેમ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts