(એજન્સી) તા.ર૮
કર્ણાટકના શિમોગા જિલ્લામાં આવેલા બિદાનુરુ કિલ્લામાં ખોદકામ દરમિયાન એક કૂવામાંથી ૧૮મી સદીના મૈસૂર સમ્રાટ ટીપુ સુલતાનના એક હજારથી પણ વધારે રોકેટ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની વિરૂદ્ધ સતત વિજય મેળવ્યા પછી ૧૭૯૯માં થયેલા ચોથા એંગ્લો-મૈસૂર યુદ્ધમાં આ શક્તિશાળી શાસક શહીદ થયા હતા. કર્ણાટકના સહાયક પુરાતત્ત્વ નિર્દેશક આર.શેજેશ્વર નાયક મુજબ શિમોગા જિલ્લામાં એક કૂવાના ખોદકામ દરમિયાન રોકેટ અને દારૂગોળો મળી આવ્યો હતો, આ શસ્ત્રભંડારને જોતા લાગે છે કે, ટીપુ સુલતાન દ્વારા યુદ્ધમાં ઉપયોગ કરવા માટે તેને અહીં સંતાડવામાં આવ્યા હતા. નાયકે કહ્યું હતું કે, અહીં ૧૦૦૦થી વધારે રોકેટ મળી આવ્યા હતા. ખોદકામ દરમિયાન માટીની સુગંધ દારૂગોળા સમાન હતી. પુરાતત્ત્વવિદ્ો અને મજૂરોની બનેલી ૧પ સભ્યોવાળી આ ટીમને ટીપુ સુલતાનના આ શસ્ત્રભંડાર શોધતા ત્રણ દિવસ લાગ્યા હતા. આ રોકેટોનું કદ ર૩થી ર૭ સેન્ટિમીટર જેટલું હતું. શિમોગામાં આ રોકેટોનું સાર્વજનિક પ્રદર્શન યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શિમોગાને કિલ્લા ક્ષેત્ર ટીપુ સુલતાનના સામ્રાજ્યનો ભાગ હતો.