તિસ્તા સેતલવાડની વારાણસી પોલીસ દ્વારા ધરપકડ, તેમની મુલાકાતને BHU આંદોલન સાથે ખોટી રીતે જોડાઇ

વારાણસી, તા. ૨૫
બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) ખાતે ચાલી રહેલા દેખાવો સાથે સાંકળીને ઉત્તરપ્રદેશ પોલીસે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની ખોટી રીતે અટકાયત કરી હતી. જોકે, બાદમાં તિસ્તા સેતલવાડે કહ્યું હતું કે, આ ધરપકડ સામાન્ય નથી. તિસ્તા સેતલવાડે ફેસબૂક પર જણાવ્યું હતું કે, ‘આઝાદી પર તરાપ મરાઇ. સ્થાનિક પોલીસ અને એસડીએમ દ્વારા ઘેરી લેવાઇ, કાંઇ સમજાતું નથી કે, આ સાવચેતીના ભાગરૂપે અટકાયત છે કે, પછી ધપકડ ક્યાં સુધી આઝાદી પર તરાપ લાગતી રહેશે ?’
ફેસબૂક પર લાઇવ વીડિયોમાં તિસ્તા સેતલવાડે દાવો કર્યો હતો કે, જિલ્લા કલેક્ટરે તેમને કહ્યું કે, ઉચ્ચ અધિકારીઓ તરફથી તેમને પકડવાનો આદેશ અપાયો છે તેથી તેઓ વારાણસીમાં રાજઘાટ ખાતે તાલીમી સત્રમા પહોંચી શક્યા નહીં. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, વારાણસી પોલીસને ખબર જ નહોતી કે, તેમની ધરપકડ શા માટે કરવામાં આવી છે. યુનિવર્સિટીની નજીક આવેલા લંકા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, આ અંગે મુખ્ય કચેરીમાંથી અમને કોઇ માહિતી મળી નથી. સેતલવાડની ધરપકડની કોઇપણ માહિતી હોવાનો પોલીસ કંટ્રોલ રૂમના કોન્સ્ટેબલ સંતોષ સિંહાએ પણ ઇન્કાર કર્યો હતો. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં શુક્રવારે સવારે એવો આરોપ મુકતા પ્રદર્શનો કર્યા હતા કે, ગુરૂવારે રાતે કેમ્પસમાં આવેલા કલા ભવન નજીક એક વિદ્યાર્થીનીની ત્રણ લોકોએ છેડતી કરી હતી. તેઓએ યુનિવર્સિટી વહીવટીતંત્ર પર અસંવેદનશીલતાનો આરોપ લગાવ્યો હતો અને કેમ્પસમાં મહિલાઓની છેડતી કરનારાઓ સામે કડક પગલાં લેવા માગ કરી હતી. આ દરમિયાન સેતલવાડે જણાવ્યું હતું કે, તેઓ એક મહિના પહેલાથી નક્કી થયેલા સમાજવાદી જન પરિષદ યુવા તાલીમી કાર્યક્રમમાં ભાગ લેવા માટે વારાણસી આવ્યા હતા. જોકે, સવારથી હું એમ જ સાંભળી રહી હતી કે, શું તમે બીએચયુ જઇ રહ્યા છો ? મને સમજાતું નથી કે, શું આ આઝાદ દેશ છે ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks