(એજન્સી) વોશિંગ્ટન, તા.૫
ટેક્ષી સેવા આપતી કંપની ઉબેર કેટલાય વર્ષોથી અધિકારીઓ દ્વારા કાર્યવાહીથી બચવા માટે સિક્રેટ ટુલ્સનો ઉપયોગ કરી રહી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ એવા સ્થળોએ કરવામાં આવી રહ્યો છે જ્યાં ઉબેર પર પ્રતિબંધ છે અથવા તો કાનૂની અમલના પ્રશ્નો ઊભા થયા છે. કંપનીએ આ વાતનો એકરાર કર્યો છે.
ન્યૂયોર્ક ટાઇમ્સે આ પ્રોગ્રામ અંગે સૌ પહેલા સમાચાર આપ્યા હતા જેને ઉબેર ‘ગ્રેબોલ’ કહે છે. આ પ્રોગ્રામ ઉબેર એપ અથવા અન્ય પદ્ધતિનો ઉપયોગ કરીને એવી જાણકારી મેળવવામાં આવતી હતી કે ક્યા શહેરોમાં ઉબેરના ઓપરેશનને રોકવા માટે અધિકારીઓ તૈહનાત છે કે જેઓ ઉબેરના ડ્રાઇવરની ધરપકડ કરી શકે છે અથવા તો કારનું ચલાન બજાવી શકે છે.
કાયદાનો ભંગ કરનારાઓને ઝડપવા માટે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સ્ટિંગ ઓપરેશન સહિત પોતાના ડ્રાઇવરોને મુશ્કેલીથી બચાવવા માટે આ સિક્રેટ સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ઉબેરે કબૂલ્યંુ છે.
ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં દાખલાઓ ટાકીને જણાવાયંુ છે કે સીટી એન્ફોર્સમેન્ટ એજન્સી જે જગ્યાએ ઉબેરના ડ્રાઇવરોને ઝડપવા માટે જાળ બિછાવતી હતી એ જગ્યાની રાઇડને રદ કરવામાં આવતી હતી અથવા તો પડતી મૂકવામાં આવતી હતી.
આ સિક્રેટ ટુલથી અધિકારીઓને છેતરવા માટે ઉબેરના એપ પર એવું દર્શાવવામાં આવતું હતું કે ત્યાં કોઇ કાર ઉપસ્થિત નથી. કેટલાક શહેરોમાં જ્યાં રાઇડ સર્વિસ માટે કાનૂની માળખુ ઉપલબ્ધ ન હતું ત્યાં અધિકારીઓ ઉબેર ટેક્ષીનું ચલાન બનાવતા હતા અને કારને ઉઠાવી લઇને તેની જપ્તી કરતા હતા. ઉબેરની એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગ્રેબોલનો હજુ પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.