(એજન્સી) ઇસ્લામાબાદ,તા.૨૪
૨૫ જુલાઇના રોજ પાકિસ્તાનમાં થનારી સામાન્ય ચૂંટણીમાં હિંસાના ડરને ધ્યાનમાં રાખી પેશાવરમાં ૧,૦૦૦ કફન તૈયાર કરી દેવામાં આવ્યા છે. પેશાવરના ડેપ્યુટી કમિશનરે આ અંગે જાણકારી આપી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન સાથે વાત કરતાં ડેપ્યુટી કમિશનર ઇમરાન હામિદ શેખે જણાવ્યું કે, તેઓ કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.
ઇમરાન હામિદે જણાવ્યું કે, તેઓને આશા છે કે અહીં શાંતિપૂર્ણ ચૂંટણી થશે, પરંતુ તેઓ કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે તૈયાર છે.
તેઓએ એમ પણ જણાવ્યું કે, પોલીસે ચૂંટણીવાળા દિવસે અફઘાન શરણાર્થીઓની પણ શહેરમાં ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, પેશાવરમાં હિંસાનો લાંબો ઇતિહાસ રહ્યો છે, અહીં ઘણાં વર્ષોથી અનેક આતંકવાદી હુમલાઓ થયા છે.
ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, પેશાવરમાં ૧, ૨૧૭ પોલિંગ બૂથ છે, જેમાં ૬૫૫ પુરૂષો અને ૫૧૭ મહિલાઓ માટે છે. ૪૫ પોલિંગ સ્ટેશન પુરૂષ અને મહિલા બંને માટે હશે. કમિશનરે વધુમાં જણાવ્યું કે, પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી આ બૂથ પર નજર રાખશે. પોલિંગ બુથ પર મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.