(એજન્સી) બેંગ્લુરુ, તા.૧૯
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, ટોળાશાહીમાં ભયંકર કૃત્યોને જમીનના કાયદાનું ઉલ્લંઘન કરવાની મંજૂરી આપી શકાય નહીં તેમ છતાં બાળક ચોરીની શંકામાં લોકો પરના હુમલાઓ અટકવાનું નામ લેતા નથી.
મોબલિંચિંગની વધુ એક ઘટના કર્ણાટકના મંડ્યા જિલ્લામાં બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહેવાલ મુજબ એક પિતાએ બાળકને મળવા સ્કૂલ બસ રોકી હતા. ત્યારબાદ બાળક ઉઠાંતરીની શંકામાં લોકોએ પિતાની મારપીટ શરૂ કરી દીધી હતી. અહેવાલ અનુસાર પીડિત મહેશ બાબુએ પોતાનું બાળક બસમાં છે કે નહીં તે જોવા અને તેને મળવા સ્કૂલ બસ રોકાવી હતી અને બસમાં પોતાના બાળકને શોધવા લાગ્યા હતા. આ દરમિયાન ગ્રામવાસીઓએ બાળક ચોર હોવાની શંકા જતા મહેશ બાબુ સાથે મારપીટ કરી હતી. પરંતુ પોલીસ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મહેશને બચાવી લેવાયો હતો.
અહેવાલ અનુસાર મહેશના પત્ની સાથે હાલમાં જ છૂટા થયા હોવાથી બાળકો માતાની સાથે રહેતા હતા. બાબુ પોતાના બાળકોને મળવા બસમાં ચઢ્યા હતા. જ્યાં ગ્રામીણોએ બાળક ચોરીની શંકામાં તેમની મારપીટ કરી હતી.