(એજન્સી) તા.૧૪
ર૦૧૯ની લોકસભા ચૂંટણીના હાઈ વોલ્ટેજ પ્રચાર વચ્ચે કોંગ્રેસ પ્રવક્તા ટોમ વડક્કન કેસરી ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. વડક્કન મુજબ પુલવામા હુમલા પછી કોંગ્રેસે સશસ્ત્ર દળો વિશે ઉઠાવેલા પ્રશ્નોથી તેમને દુઃખ પહોંચ્યું હતું. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિકટના વર્તુળોમાં સામેલ વડક્કને કોંગ્રેસના વંશવાદની નિંદા કરતા આક્ષેપ કર્યો હતો કે, પાર્ટીમાં “યુઝ એન્ડ થ્રો”નું વાતાવરણ છે, તે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. વડક્કન ભાજપમાં જોડાયા હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં ફેલાતા લોકોએ આ વાત ધ્યાનમાં લીધી હતી કે, કેટલી ઝડપે તેમણે પોતાના સૂર અને વફાદારી બદલી નાખી. ટ્વીટર યુઝર્સે વડક્કનના જ ભાજપ-વિરોધી ટિ્વટનો ઉપયોગ કરી તેમના પર કટાક્ષ કર્યો હતો. વડક્કને છેલ્લે ૯ માર્ચે ટિ્વટ કરી ભાજપને જૂઠ્ઠો ગણાવ્યો હતો. તેમની એક ટિ્વટ ખૂબ જ વાયરલ થઈ હતી. આ વર્ષે ૩ ફેબ્રુઆરીના દિવસે કરેલી ટિ્વટમાં તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, “એક વાર તમે ભાજપમાં જોડાઈ જાવ તો તમારા બધા પાપ ધોવાઈ જાય છે.” તેમની આ ટિ્વટ પર સૌથી વધારે વ્યંગ કરવામાં આવ્યો હતો.