ટોરેન્ટ પાવર દ્વારા બેફામ વીજ વધારો, તેમજ અનેક છૂપા ચાર્જ દ્વારા ઉઘાડી લૂંટ

અમદાવાદ, તા.૧૩
ટોરેન્ટ પાવર લિ.દ્વારા બેફામ વીજ વધારો અને અનેક છૂપા ચાર્જ દ્વારા ચાલતી ઉઘાડી લૂંટના વિરોધમાં અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર પ્રમુખ શશીકાંત પટેલની અધ્યક્ષતામાં ધરણા યોજાયા હતા. ત્યારબાદ રેલી સ્વરૂપે અમરાઈવાડી ઝોનલ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવા જતા સમયે અગાઉથી સમય મેળવેલ તેમ છતાં ટોરેન્ટ પાવર દ્વારા ચારેબાજુ કિલ્લે બંધી કરી દેવાતા કાર્યકરો રોષે ભરાયા હતા અને આવેદનપત્ર આપવા આગેવાનોને જવા દેવા માટે ઝાંપા હચમચાવતા કાર્યકરોને શહેર પ્રમુખ શશીકાંત પટેલ રાખવા જતા ઝાંપામાં લગાવેલ અણીદાર ભાલાઓથી તેઓને તથા અન્ય કાર્યકરોને ઈજા પહોંચી હતી.
આવેદનપત્ર આપતા અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંત પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સરકારે ટોરેન્ટ પાવરને ઉઘાડી લૂંટ કરવાનો પરવાનો આપ્યો હોય તેમ બેફામ લૂંટ ચલાવી છે. મહારાષ્ટ્રના મુંબઈ, પુના અને દિલ્હી તથા અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત રાજ્યમાં ટોરેન્ટ દ્વારા બે ઘણો ચાર્જ વસૂલવામાં આવે છે. સાથે સાથે અનેક છૂપા ચાર્જ દ્વારા ગરીબ અને સામાન્ય વર્ગની જનતાને લૂંટવામાં આવી રહી છે. આવા અનેક મુદ્દાઓ છે જેની ઉપર ચર્ચા કરીએ તો આખો દિવસ નીકળી જાય તેમ છતાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓનું આવેદનપત્ર આજે ટોરેન્ટ પાવર લિ.ને સુપરત કરેલ છે અને અમારી માગણીને તાકીદે સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આનાથી પણ જલદ કાર્યક્રમો આપવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં એઆઈસીસીના મંત્રી મોહન્તી, મ્યુ.કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, પ્રદેશ મંત્રી અરવિંદ ચૌહાણ, પૂર્વ નેતા એએમસી સુરેન્દ્ર બક્ષી, અમદાવાદ (પૂર્વ)ના મહિલા પ્રમુખ શ્રીમતિ કવિતાબેન યાદવ, અમદાવાદ પશ્ચિમ મહિલા પ્રમુખ શ્રીમતિ આનલબેન પટેલ, સેવાદળના મુખ્ય સંગઠક કિરણ પ્રજાપતિ, એનએસયુઆઈ અમદાવાદ પ્રમુખ આસિફ પાવર તેમજ કાઉન્સિલરો, આગેવાનો, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks