(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૩
વડોદરાની આરોગ્ય ટીમે વડોદરામાં ઠેર-ઠેર ખાણી-પીણીની સ્થળો પર ખાદ્ય ચીજ-વસ્તુઓને તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલની ટીપીસી મશીનની મદદથી તપાસ કરવામાં આવી હતી. જેમાં મશીનના કાઉન્ટના આધારે ફૂડ ઇન્સ્પેકટરોએ કાર્યવાહી હાથ ધરી હતી. ખાદ્ય ચીજ-વસ્તુઓને તળવા માટે લેવાતા તેલનો વારંવાર ઉપયોગ કરવાથી શરીરને નુકસાન પહોંચતું હોવાથી પાલિકાના આરોગ્ય વિભાગે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. વડોદરા મહાનગર પાલિકાની ટીમે શહેરના વોર્ડ નં.૫, ૬, ૧, ૧૧, ૮, ૭ સહિતના વિસ્તારોમાં ખાણીપીણીની દુકાનો તથા લારી ગલ્લા પર ઉપયોગમાં લેવાતા તેલનું ચેકિંગ હાથ ધર્યું હતું. ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા ટીપીસી મશીનની મદદથી તેલની તપાસ હાથ ધરાઇ હતી. ફૂડ ઇન્સ્પેકટર ગોહીલના જણાવ્યા અનુસાર જો તેલની તપાસમાં ટોટલ પોલાર કાઉન્ટ (ટીપીસી) ની માત્રા ૨૫ થી વધુ હોય તો તે તેલ આરોગવા લાયક નથી અને ચેકિંગ દરમ્યાન ટીપીસી કાઉન્ટ વધારે જણાશે તો તેલનો જથ્થાનો નાશ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.