અમદાવાદ, તા. ૧૬
શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર પાર્કિંગના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આજે શહેર પોલીસ કમિશનરને બોલાવતા તેઓ હાજર રહ્યા હતા. પોલીસ કમિશનર એ.કે. સિંઘ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેઓ શહેરમાંં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે કડકમાં કડક પગલાં ભરી રહ્યા છે અને ભરશે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ગુજરાત હાઇકોર્ટે મહત્વના સૂચનો કર્યા છે તેમ છતાં તેનું પાલન કરવામાં નહી આવતા જસ્ટિસ એમ. આર. શાહ દ્વારા સરકારનો કડક શબ્દોમાં ઉધડો લેવામાં આવ્યો હતો. કોર્ટે જણાવ્યુ હતુ કે કોર્ટના આદેશને સરકાર દ્વારા માનવામાં આવતા નથી. કોર્ટના આદેશ બાદ તેના અમલ માટે સમય આપે તો તેને નબળાઈ ગણીને આંખ આડા કાન કરવામાં આવે છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા ઠેરની ઠેર રહેતા અને સરકારી વકીલ દ્વારા અપાયેલા જવાબોથી કોર્ટને સંતોષ નહિ થતા પોલીસ કમિશનરને બપોરના સમયે હાજર રહેવાનો આદેશ કર્યો હતો. કોર્ટનું તેડુ આવતા પોલીસ કમિશનર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ. આર. શાહે જણાવ્યુ હતુ કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર છે. લોકોના જીવન સાથે ખેલ થઈ રહ્યો છે.ટ્રાફિક પોલીસ આ બાબતમાં કોઈ જ ગંભીરતા ધરાવતી નથી. પોલીસ જવાનોને ટ્રાફિક મેનેજમેન્ટ કરવા માટે તાલીમ આપવામાં આવતી નથી. બેફામ રીતે રીક્ષાઓ શહેરમાં દોડે છે ક્લબો, હોસ્પિટલો અને મોલ ની આજુબાજુ એટલો ભરચક ટ્રાફિક હોય છે કે વાહન ચલાવવા માટે પણ જગ્યા મળતી નથી. સરકાર આ બાબતે કોઈ જ રીતે ગંભીર પગલાં ભરતી નથી અને એટલું જ નહીં વર્ષ ૨૦૦૬માં પણ ટ્રાફિક સમસ્યા દૂર કરવાનો આદેશ આપ્યો હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. આ બાબતે શહેર પોલીસ કમિશનરે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેમણે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બે હજાર જવાનો ની નિમણૂક કરી છે અને તેમને છ મહિનાની તાલીમ આપી છે. શહેરના ૧૩૦ ચાર રસ્તા ઉપર ઓટોમેટીક સિગ્નલ સિસ્ટમ નાખવામાં આવી રહી છે. જેના કારણે જો કોઈ વાહન દ્વારા ચાર રસ્તા ઉપર લાલ લાઈટ હોવા છતાં ગેરકાયદેસર રીતે રસ્તો ક્રોસ કરવામાં આવશે અથવા તો ટ્રાફિકના નિયમનો ભંગ કરવામાં આવશે તો તરત જ ઝડપાઈ જશે. આ બાબતે કેન્દ્રિય સંસ્થા દ્વારા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા કેવી રીતે દૂર કરી શકાય તે માટે અનેક ભલામણો કરવામાં આવી છે. આ ભલામણોનો અમલ કરવા માટે રાજ્યના શહેરી વિકાસ વિભાગને મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૯૮ જેટલી ઇમારતો હોસ્પિટલો અને મોલ ધારકોને નોટિસો આપવામાં આવી છે જે ઇમારત ધારકો દ્વારા નિયમનું પાલન નહીં કરવામાં આવે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ આપવામાં આવેલો છે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સામે આંખ આડા કાન કરનારા તેમજ કાયદાનો ભંગ કરનાર સામે કડક પગલા ભરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ સરકારના અલગ અલગ વિભાગ સાથે સંકલન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ ઉકેલ આવશે. દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે એ. કે સિંહની ગણનાં પ્રતિષ્ઠિત અને કાબેલ અધિકારી તરીકે થાય છે ત્યારે લોકોને તેમના ઉપર ખૂબ આશા છે. આથી લોકોની સમસ્યાનો વાસ્તવિક ઉકેલ આવવો જોઈએ. ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા ભૂતકાળમાં પોલીસ કમિશનરને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ હાજર રહેવું પડ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે સરકારનો પણ ઉધડો લઇ ને કામ કરવાના નામે માત્ર વાયદા કરવામાં આવે છે અને કામગીરી કરવામાં આવી હોવાની લોલીપોપ બતાવવામાં આવે છે. પોલીસ કમિશનર દ્વારા ખાતરી આપવામાં આવતા તારીખ ૨૩ ના રોજ વધુ સુનાવણી રાખી હતી. અને સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ વિભાગને એકશન ટેકન રિપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો.