માળિયામિંયાણા,તા.૧૭
માળિયામિંયાણા નેશનલ હાઈવે પર હરીપર નજીક કાળમુખા ટ્રેલરે ૭૦ ઘેટા સહિત માલધારીનો જીવ લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
માળિયામિંયાણાના કચ્છ નેશનલ હાઈવે પર હરીપર ગામ નજીક દેવસોલ્ટ કચ્છથી પરત ફરતા કચ્છી માલધારી રાણાભાઈ રહે અંજાર કચ્છ ગામ હીરાપર સહિત ૭૦ જેટલા અબોલ ઘેટાઓ પર ટ્રેલર નં. જી.જે.૧ર બીટી ૮૯૪રના ટ્રેલર ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવી ઘેટા સહિત માલધારીને કચદી ગંભીર અકસ્માત સર્જાતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બનાવ બનતા નેશનલ હાઈવે પર મૃત ઘેટાં અને ઘાયલ ઘેટા સહિત ઉંટ પણ તડપી તડપી મોતને ભેટયા હતા અને હાઈવે રકત રંજીત બન્યો હતો આ ગંભીર અકસ્માતનો બનાવ બનતા થોડીવાર માટે હાઈવે પર ટ્રાફિક ચક્કાજામના દૃશ્યો સર્જાયા હતા. ત્યારબાદ માળિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરી મૃતક માલધારી યુવાનને પી.એમ. માટે માળિયા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતો જયા હોસ્પિટલના ડોકટરની ગેરહાજરીથી પીએમ માટે માલધારી યુવાનની લાશ કલાકો સુધી રઝળી હતી. ત્યારબાદ પોલીસે ડોકટરને ફોન કરી મોરબીથી બોલાવ્યા બાદ લાશનું પીએમ કરવામાં આવ્યું હતું. આ ગંભીર અકસ્માત ના બનાવમાં પોલીસે ટ્રેલર ચાલક વિરુધ્ધ ગુનો નોધીને ધોરણસરની તપાસ હાથ ધરી હતી.