અમદાવાદ,તા.૨૧
શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને તેમની માતા સામે પત્નીએ ગાંધીનગરના સેકટર-ર૧ પોલીસ સ્ટેશનમાં શારીરિક-માનસિક ત્રાસ આપવા બાબતે ફરિયાદ નોંધાવી છે, જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર સેકટર-૧૭માં સ્ટાફ ટ્રેનિંગ કોલેજ પાછળ રહેતા તથા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર તરીકે સેવા આપતાં ડિમ્પલબહેન બુમ્બડિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમના પતિ મહેન્દ્ર બુમ્બાડિયા અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. ડિમ્પલબહેનની ફરિયાદ પ્રમાણે છેલ્લા અઢી વર્ષથી પતિ મહેન્દ્ર તથા સાસુ શાન્તાબહેન દ્વારા ઘરના કામકાજ બાબતે તથા અન્ય શંકા કરીને જેમ ફાવે તેમ બોલીને શારીરિક તથા માનસિક ત્રાસ આપી રહ્યાં છે. ગત ૧૮ ઓગસ્ટે નોકરી પરથી ડિમ્પલબહેન ઘરે પહોંચ્યા તો તાળું મારેલું હતું. પતિને ફોન કરતાં ફોન પર મન ફાવે તેમ ગાળો આપી હતી, જેના પગલે ડિમ્પલબહેન સેકટર-૧૭માં જ રહેતાં બહેનના ઘરે રોકાયાં હતાં.
૧૯મીએ પણ ઘરે તાળું હતું. સોમવારે ઘરે આવતાં પતિ તથા સાસુએ ગાળો આપી હતી. તેઓને સમજાવવાનો પ્રયાસ કરતાં ડિમ્પલબહેનને મારીને ઘરેથી ચાલ્યા જવાનું કહીને મારી નાખવાની ધમકી આપી હતી, જે બાબતે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.