(એજન્સી) જમ્મુ, તા.૩૦
જમ્મુ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના પ્રોફેસર મોહમ્મદ તાજુદ્દીને ભગતસિંહને ત્રાસવાદી કહેવા બદલ સસ્પેન્ડ કરાયા હતા. સ્વતંત્રતા સેનાની ભગતસિંહને ત્રાસવાદી કહેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુનિવર્સિટી તંત્રએ આ કદમ ઉઠાવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ મનોજ ધારે કહ્યું કે, આ મુદ્દે છ સભ્યોની સમિતિ બનાવાઈ છે જે તેની તપાસ કરશે. તેના અહેવાલ બાદ વધુ કાર્યવાહી કરાશે. દરમિયાન પ્રો. તાજુદ્દીને કહ્યુ ંકે, હું લેબીનને ભણાવી રહ્યો હતો. જેમનો ભાઈ ત્રાસવાદી કૃત્યમાં માર્યો ગયો હતો. તેના સંદર્ભમાં મેં ભગતસિંહનો ઉલ્લેખ કર્યો હતો. તે અંગે હું દિલગીર છું. પરંતુ જે લોકો ગાંધી વિચારોમાં માને છે તેઓ આ કૃત્યને ત્રાસવાદી કૃત્ય સાથે સરખાવશે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ વાતનો ખ્યાલ ગ્રહણ કરવા માટે પરિપક્વ ન હતા. મારો ઈરાદો ખોટો ન હતો. વીડિયો બનાવવાના બદલે મારી સાથે વિદ્યાર્થીઓએ ચર્ચા કરવી જોઈતી હતી. વીડિયો બનાવનાર દીપક ગુપ્તાએ કહ્યું કે, પ્રોફેસર તાજુદ્દીન અફઝલ ગુરૂ, અજમલ કસાબ, હાફિસ સઈદ જેવા ત્રાસવાદીઓનું ઉદાહરણ આપી શકતા. તેઓ ભગતસિંહને ત્રાસવાદી કેવી રીતે કહી શકે. પ્રો. તાજુદ્દીન સામે વ્યાપક વિરોધ શરૂ થયો હતો. તેમની હકાલપટ્ટીની માગણી કરી હતી.