ટ્રિપલ તલાક અનિચ્છનીય, તેની વિરુદ્ધ અમે સલાહ આપીશું : સુપ્રીમમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રજૂઆત

(એજન્સી)            નવી દિલ્હી, તા.રર

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સુપ્રીમકોર્ટમાં નવું સોગંદનામું દાખલ કર્યું છે. બોર્ડે કહ્યું છે કે એ પોતાની વેબસાઈટ, અન્ય પ્રકાશનો અને સોશિયલ મીડિયા દ્વારા લોકો માટે એડવાયઝરી બહાર પાડશે અને ટ્રિપલ તલાક વિરૂદ્ધ લોકોમાં જાગૃત્તતા ફેલાવવા પ્રયાસો કરશે. બોર્ડે સોમવારે સુપ્રીમકોર્ટમાં ૧૩ પાનાનું સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં જણાવ્યું છે કે, ટ્રિપલ તલાક રોકવા બધા પ્રયાસો કરવામાં આવશે. બોર્ડે કહ્યું કે આના માટે ઈલેકટ્રોનિક મીડિયાનો પણ ઉપયોગ કરવામાં આવશે. નિકાહ કરાવનાર પણ સલાહ આપશે કે કોઈપણ પ્રકારના મતભેદો થતાં એક વખત ટ્રિપલ તલાકની પ્રથાથી દૂર રહેવું જોઈએ કેમ કે એ શરિયત મુજબ પણ ગેરકાયદેસર અને ગેરવાજબી છે. નિકાહ કરાવનાર નિકાહનામામાં આ પ્રકારની શરત મૂકાવશે કે પતિ એક વખત ત્રણ તલાક ઉચ્ચારી છૂટાછેડા આપશે નહીં. એવું કહેવાય છે કે, સુપ્રીમકોર્ટે ટ્રિપલ તલાકની સુનાવણી વખતે પણ બોર્ડને આકરા પ્રશ્નો પૂછયા હતા. સુપ્રીમકોર્ટમાં પણ બોર્ડે જણાવ્યું હતું કે, એ ટ્રિપલ તલાક બાબત ફકત મહિલાઓ પાસેથી સૂચનો નહીં મેળવે પણ એને નિકાહનામામાં સામેલ કરવામાં આવે. કોર્ટે પૂછયું હતું કે શું નિકાહનામામાં મહિલાઓને ટ્રિપલ તલાક નહીં સ્વીકારવા અધિકાર આપી શકાય છે. બોર્ડે જણાવ્યું કે, જે લોકો ટ્રિપલ તલાક દ્વારા તલાક આપશે અમે એમનો સામાજિક બહિષ્કાર કરીશું. જો કે, બોર્ડે એ નથી કહ્યું કે અમે સદીઓથી ચાલી આવતી પ્રથાને નાબૂદ કરવાની તરફેણ કરીએ છીએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts