અગરતલા,તા.ર૯
ત્રિપુરામાં ગુરૂવારે મોબલિંચિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ટોળાએ બાળક ચોરીની શંકામાં ત્રણ લોકો સાથે મારપીટ કરી. જેમાં એક શખ્સનું મૃત્યુ નિપજ્યું હતું અને પોલીસકર્મી સહિત ચાર લોકો ગંભીર રૂપે ઘાયલ થયા હતા. અધિકારી મુજબ પશ્ચિમ ત્રિપુરાના આદિવાસી બાહુલ્ય મુરાબારી ગામની આ ઘટના બની હતી. જ્યાં ત્રણ ફેરિયાઓ કાપડ વેચવા માટે ગયા હતા. ત્રિપુરામાં મંગળવારે રાત્રે એક ૧૧ વર્ષના બાળકની હત્યા કરવામાં આવી. ચોથા ધોરણના વિદ્યાર્થી પુરના બિસ્વાસનું એના નિવાસ સ્થાન મોહનપુર વિસ્તારમાંથી શબ મળી આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં એવી અફવા ફેલાઈ ગઈ કે બાળક ચોર ટોળકી સક્રિય બની છે જે બાળકોની હત્યા કરીને શરીરના અંગો કાઢી લે છે. અધિકારીઓ અનુસાર આ અફવા પછી લોકોના ટોળાએ આ ત્રણ વ્યક્તિઓને જોયા અને એમની પાછળ દોડ્યા. કાપડ વિક્રેતા પોતાના ગાડી ચાલક સાથે સુરક્ષા શિબિરમાં છૂપાયા હતા. તો ટોળાએ તેમને બહાર ખેંચી કાઢયા તથા સુરક્ષાકર્મીએ એમને બચાવવાના પ્રયાસ કર્યા છતાં ટોળાએ એમના પર હુમલો કર્યો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ ત્રણ મુસ્લિમ વિક્રેતા એમનો ડ્રાઈવર અને પોલીસ કર્મીને અગરતલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉત્તરપ્રદેશ નિવાસી ૩૦ વર્ષીય ઝહીર કુરેશીનું મોત નિપજ્યું જ્યારે ગુલઝાર અને ખુર્શિદ ખાન હોસ્પિટલમાં જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સ્થાનિકોએ બાળકની કીડની કાડી લેવાઈ હોવાનો દાવો કર્યો છે. જો કે પોલીસે જણાવ્યું કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બાળકના શરીરમાંથી કોઈ પણ અંગે કઢાય ન હોવાનું જાણવા મળ્યું હતું.