(એજન્સી)અગ્રતલા, તા.૨૮
ત્રિપુરા હાઇકોર્ટે શુક્રવારે આપેલા એક મહત્વના ચુકાદામાં રાજ્યના મંદિરોમાં પશુ/પક્ષીઓના બલિ ચઢાવવા સામે પ્રતિબંધ લાદ્યો છે. હાઇકોર્ટે અવું પણ નિરીક્ષણ કર્યું કે ભારતના બંધારણની કલમ ૨૧ હેઠળ પશુઓને પણ જીવવાનો મૂળભૂત અધિકાર છે. ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ અરિંદમ લોધની બનેલી બેન્ચે એવી જાહેરાત કરી છે કે ત્રિપુરા રાજ્યમાં આવેલા કોઇ પણ મંદિરની હદ કે પરિસરમાં રાજ્ય સહિત કોઇ પણ વ્યક્તિને કોઇ પણ પશુુ/પક્ષીનો બલિ ચઢાવવા દેવામાં આવશે નહીં.
હાઇકોર્ટે મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા દાનમાં અપાતી ગાયો માટે મંદિરની નજીક ગૌશાળા બનાવવાનો પણ સરકારને આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે સમગ્ર ત્રિપુરા રાજ્યમાં કોઇ પણ ધર્મસ્થળે હવેથી પશુ-પક્ષીના બલિ આપી નહીં શકે. આ આદેશનો ભંગ કરનાર સામે કાયદેસર કામ ચલાવવામાં આવશે. ૨૦૧૮માં એક નિવૃત્ત જજ સુભાષ ભટ્ટાચાર્જી દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની એક અરજી પર આપેલા ચુકાદામાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ અરિંદમ લોધની બનેલી બેન્ચે આ પ્રતિબંધ જાહેર કર્યો હતો.
હાઇકોર્ટે પશ્ચિમ ત્રિપુરાના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને રાજ્યના તમામ કલેક્ટર્સને એવો આદેશ આપ્યોે હતો કે ત્રિપુરેશ્વરી મંદિર અને ચતુર્દશદેવતા બારી મંદિરમાં અપાતા જાનવરો અને પક્ષીઓના બલિ તત્કાળ બંધ કરવામાં આવે. હાઇકોર્ટે મંદિરોમાં લગાડેલા સીસીટીવીની વિડિયો ક્લીપ દર મહિને મોકલવાનો પણ આદેશ આપ્યો છે. સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે ત્રિપુરેશ્વરી મંદિરમાં છેલ્લાં પાંચસો વર્ષથી આ પરંપરા ચાલુ છે અને લોકોની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે એટલે આ પરંપરા પર પ્રતિબંધ લાદવો યોગ્ય નહીં ગણાય. અરજદારે આ પ્રથાને ક્રૂર અને જીવદયા વિરુદ્ધની ગણાવીને તત્કાળ રોકવાની કોર્ટને વિનંતી કરી હતી.