(એજન્સી) તા.૧
ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબકુમાર દેબે મંગળવારે જણાવ્યું છે કે રાજ્યમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC) જેવા કોઇ રજીસ્ટરની માગણી થઇ નથી. તેમણે જણાવ્યું હતું કે આસામમાં આ સંવેદનશીલ મુદ્દો નથી. આસામમાં NRCનો આખરી ડ્રાફ્ટ સોમવારે ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. NRC માટે ૩.૨૯ કરોડ લોકોએ અરજી કરી હતી જેમાંથી માત્ર ૨.૮૯ કરોડ લોકોના નામો સામેલ કરવામાં આવ્યા છે. ૪૦.૦૭ લાખ એવા લોકો છે કે જેમના નામો આ યાદીમાં સામેલ થઇ શક્યા નથી. આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને મળવા નાગપુર આવેલા બિપ્લબકુમાર દેબે જણાવ્યું છે કે ત્રિપુરામાં NRCની કોઇ માગણી કરવામાં ંઆવી રહી નથી. આ દરમિયાન બિપ્લબકુમાર દેબ અને મોહન ભાગવત વચ્ચે એક કલાક સુધી વાતચીત થઇ હતી. ભાજપના નેતાએ જણાવ્યું છે કે ત્રિપુરામાં બધુ ઠીકઠાક છે અને તમામ પાસે કાનૂની દસ્તાવેજો છે. આથી અમારા માટે આ મુદ્દો છે જ નહીં. બિપ્લબકુમાર દેબે એવો આક્ષેપ કર્યો હતો કે વિદેશ માનસિકતા ધરાવતા કેટલાક લોકો માહોલ બગાડવા માગે છે. દરમિયાન કોંગ્રેસે NRCના આખરી ડ્રાફ્ટમાં ૪૦ લાખ લોકોની બાદબાકી સામે સવાલ ઉઠાવીને એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ હેઠળ આ એક પ્રકારની પ્રેરિત કાર્યવાહી છે અને ભાજપ ધ્રુવીકરણની રાજનીતિ રમવાની કોશિશ કરી રહ્યો છે. પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પણ NRCના આખરી ડ્રાફ્ટમાં ૪૦ લાખ લોકોની બાદબાકી પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારતીય નાગરિકો હવે તેમના પોતાના જ દેશમાં નિર્વાસિતો બની ગયા છે.