(એજન્સી) તા.૩૦
તેલંગાણામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોને મત આપવો એ બાબતે સંપૂર્ણપણે સ્પષ્ટતા હતી. પરંતુ આ વખતે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોને મત આપવો એ અંગે અબ્દુલ તહાના સગાસંબંધીઓ વિભાજિત હોવાનું જણાય છે. મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટી, હૈદરાબાદમાં સેન્ટર ફોર સ્ટડી ઓફ સોશિયલ એક્સક્લુઝીવ એન્ડ ઇનક્લુઝીવ પોલિસી ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.તહાએ જણાવ્યું હતું કે મારો અડધો પરિવાર કોંગ્રેસ-તેલુગુદેશમ પાર્ટી ગઠબંધનને મત આપનાર છે જ્યારે બીજો અડધો પરિવાર તેલંગાણા રાષ્ટ્ર સમિતિને સમર્થન આપવાનું યોગ્ય ગણે છે. તહા સૂર્યાપેટ જિલ્લામાંથી આવે છે અને તેમના સગાસંબંધીઓ મુસ્લિમ બહુમતીવાળા મહેબુબનગર, નાલગોંડા અને ખમુમામ જેવા જિલ્લાઓમાં વસે છે. જે લોકો ટીઆરએસની તરફેણ કરે છે તેઓ શાદી મુબારક, લઘુમતી શાળાઓ, વિદેશી સ્કોલરશીપ અને લઘુમતી માટે બજેટ જેવી યોજનાઓને ટાંકે છે જ્યારે જે લોકો કોંગ્રેસ-ટીડીપી ગઠબંધનની તરફેણમાં છે તેમનું માનવું છે કે કેસીઆર અલંકારીક ઉર્દૂભાષામાં ભાષણ આપીને મુસ્લિમોને મૂર્ખ બનાવી રહ્યા છે. આ ઉપરાંત એવો ડર છે કે ટીઆરએસ ફરી એક વખત ભાજપ સાથે જોડાણ કરી શકે છે.
સ્કાયબાબા તરીકે ઓળખાતા તેલુગુ લેખક અને કર્મશીલ યુસુફબાબા પણ તહાના મત સાથે સંમત છે. નાલગોંડાના વતની બાબાએ જણાવ્યું હતું કે મુસ્લિમો કેસીઆર પર ખુશ પણ છે અને ખફા પણ છે. ખુશ એટલા માટે છે કે તેમણે મુસ્લિમો માટે ઇંગ્લિશ મીડિયમની રેસિડેન્શિયલ શાળાઓ બનાવી હતી. શાદી મુબારક યોજના શરુ કરી હતી અને તેમના એક નાયબ મુખ્ય પ્રધાન મુસ્લિમ છે જ્યારે બીજી બાજુ મુસ્લિમોને ભાજપ અને મોદી સાથેની કેસીઆરની નિકટતા અંગે શંકા છે. આમ આગામી ચૂંટણી કોણ જીતશે એ નક્કી કરવામાં મુસ્લિમ વોટ મહત્વની ભૂમિકા ભજવશે. રાજ્યની કુલ વસ્તીના ૧૨.૭ ટકા મુસ્લિમો છે.