(એજન્સી) વૉશિંગ્ટન, તા.૪
અમેરિકાના પ્રતિબંધની ચેતવણી છતાં ભારત અને રશિયા જી-૪૦૦ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડીલ પર સહમતિ કરવા માટે તૈયાર છે. પાંચ બિલિયન ડોલરની આ મેગા ડિફેન્સ ડીલ અમેરિકા કાટસા પ્રતિબંધ ( કાઉન્ટરિંગ અમેરિકન એડવર્સરિઝ થ્રૂ સેક્શન્સ – CAATSA) લગાવી શકે છે. ગત મહિને અમેરિકાએ ચીન પર આ જ પ્રતિબંધ લગાવ્યો હતો. તે સમયે ચીને રશિયા પાસેથી ફાઇટર જેટ્સ અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી હતી. જી-૪૦૦ મિસાઇલ સિસ્ટમ અમેરિકાના દંડાત્મક પ્રતિબંધના દાયરામાં છે. અમેરિકાએ ભારત સહિત પોતાના મિત્ર દેશોને રશિયા સાથે આ સિસ્ટમની લેવડ-દેવડને બંધ કરવાનું કહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે, આ એર ડિફેન્સ સિસ્ટમની ખરીદીથી તેઓના કાટસા નિયમનું ઉલ્લંઘન થશે. અમેરિકાએ કહ્યું કે, આ ઘરેલૂ કાયદા હેઠળ જો કોઇ દેશ ઇરાન, નોર્થ કોરિયા અથવા રશિયા સાથે મહત્વપૂર્ણ લેવડ-દેવડ રાખે છે તો તે અમેરિકન પ્રતિબંધોનો શિકાર બનશે.