(એજન્સી) મુંબઇ, તા. ૪
બહુચર્ચિત સોહરાબુદ્દીન-તુલસીના બનાવટી એન્કાઉન્ટર કેસમાં મુંબઇમાં સીબીઆઇની ખાસ કોર્ટમાં તુલસીરામના ભણેજ કુંદને નિવેદન કર્યું છે. કુંદને કહ્યું કે સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસરબીના કેસમાં મામા તુલસી નજરેજોનાર સાક્ષી હોવાથી પોલીસે તુલસીને બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાખ્યો હતો. કુંદને કહ્યું કે જેલમાં રહેતા તુલસીએ મને જેલમાં કહ્યું હતું કે પોલીસ તેને મારી નાખવાની હોવાની આશંકા છે. આ બાબતના સંદર્ભમાં તેણે ઘણી જગ્યાએ ફરિયાદ પણ મોકલી હતી. કુંદને તેના નિવેદનમાં તત્કાલીન એસપી દિનેશ એમએન સહિત ઉદયપુર ટીમનું પણ નામ લીધું છે. આવી સ્થિતિમાં કુંદનનું નિવેદન તુલસી કેસમાં દોષમુક્ત જાહેર થયેલા દિનેશ એમએનની મુશ્કેલીઓ વધારવાનું કારણ બની શકે છે. કુંદને જણાવ્યું કે ગેરકાયદે કસ્ટડીમાં દિનેશ, સીઆઇ અબ્દુલ રહેમાન, નારાયણસિંહ, કોન્સ્ટેબલ તેજસિંહ, કરતાર, યુદ્ધવીર સહિત અન્ય પોલીસ કર્મી આવતા હતા અને અમને મારતા હતા. કુંદને કહ્યું કે અંતે પોલીસે મામા તુલસીરામને બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાખ્યો.
તુલસીરામ પ્રજાપતિના બનાવટી એન્કાઉન્ટરના કેસમાં તુલસીના ભાણેજ કુંદન પ્રજાપતિએ કોર્ટને જણાવ્યું કે તે વખતના ઉદયપુરના પોલીસ અધીક્ષકે એવી ધમકી આપી હતી કે તેના મામાની સાથે પોલીસ તને પણ મારી નાખશે. ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે જુબાની આપતા કુંદને કોર્ટને એવું પણ કહ્યું કે રાજસ્થાન પોલીસ દ્વારા તેની સાથે તેના મિત્ર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ડ્રગ્સ રાખવાના એક બનાવટી કેસમાં બંનેને ઉદયપુરની જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. તુલસી પ્રજાપતિના બનાવટી એન્કાઉન્ટરના કેસમાં આરોપી તરીકે જેનું નામ અપાયું હતું તે દિનેશ એમએનને ગયા વર્ષે છોડી દેવામાં આવ્યા હતા. તે વખતે દિનેશ એમએન ઉદયપુરના એસપી હતા. કુંદને યાદ અપાવી હતી કે તેના મામા તુલસીરામ પ્રજાપતિને ઉદયપુરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. તેણે કોર્ટને કહ્યું કે તેણે ઉજ્જૈનમાં કોર્ટની સુનાવણી દરમિયાન જેલમાં તુલસી સાથે મુલાકાત કરી હતી. તેણે એવું પણ કહ્યું કે જેલમાં તુલસી સાથેની એક મુલાકાત દરમિયાન તુલસીરામે તેને અને તેના મિત્રને કહ્યું હતું કે કોર્ટમાં કેસની સુનાવણી માટે તેને અમદાવાદ લઇ જવામાં આવશે. તુલસીરામે કુંદન અને તેના મિત્રને ઉદયપુર રેલવે સ્ટેશન આવવાનું કહ્યું હતું. ઉદયપુરના રેલવે સ્ટેશનેથી તેને અમદાવાદ લઇ જવાનું હતું. કુંદને કોર્ટને કહ્યું કે તુલસીરામે અમે બંનેને ટિકિટ લઇને ટ્રેનના બાજુના ડબ્બામાં મુસાફરી કરવાનું પણ કહ્યુ હતું.
કુંદનને કોર્ટને કહ્યું કે અમે ટિકિટ લેવા ગયા ત્યારે પોલીસે અમને પકડી લીધા હતા અને પોલીસ દ્વારા અમારા પર હુમલો કરાયો હતો. પોલીસે અમને કહ્યું હતું કે પોલીસ તુલસીરામને મારી નાખવા માગે છે પરંતુ અમે અવરોધ બની ગયા છીએ. ઉદયપુરના એસપીએ કહ્યું હતું કે તુલસીની સાથે પોલીસ અમને પણ મારી નાખશે. પોલીસે રેલવે સ્ટેશનેથી અમને વિભિન્ન પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા અને ૨૫ દિવસ સુધી ગેરકાનૂની રીતે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી ડ્રગ્સ સાથે સલમ્બર પોલીસ સ્ટેશને અમારી ધરપકડ બતાવવામાં આવી હતી. કુંદન અને તેના મિત્રની સામે એનડીપીએસ કાયદા હેઠળ કેસ નોંધીને બંનેને ઉદયપુરની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યા હતા.