(એજન્સી)
વોશિંગ્ટન, તા. ૧૧
રશિયા સાથે ભારતના એસ-૪૦૦ મિસાઇલ સોદા અંગે અમેરિકાના પ્રતિબંધના ભય વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, રશિયા પાસેથી પાંચ અબજ ડોલરના એસ-૪૦૦ હવાઇ સુરક્ષા પ્રલાણી ખરીદીના સોદા અંગે ભારત વહેલી તકે જ શિક્ષાત્મક કાટ્સા કાઉન્ટરિંગ અમેરિકાસ એડવર્સરીઝ થ્રૂ સેક્શન્સ એક્ટ(સીએએટીએસએ) પ્રતિબંધો પર તેમના નિર્ણયથી વાકેફ થશે. ઉલ્લેખનીય છે કે, સીએએટીએસએ અંતર્ગત રશિયા પાસેથી હથિયાર સોદા પર અમેરિકી પ્રતિબંધોથી ભારતને મુક્ત રાખવાનો અધિકાર ફક્ટ ટ્રમ્પને છે. ભારત અને રશિયા વચ્ચે થયેલા સોદા અંગે પુછતા ટ્રમ્પે ઓવલ ઓફિસમાં જણાવ્યું હતું કે, તમે જોશો કે, ભારતને વહેલી તકે જાણ થઇ જશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ઇરાન પાસેથી ચાર નવેમ્બરની સમયમર્યાદા બાદ તેલ આયાત ચાલુ રાખનારા દેશો અંગે અમેરિકા વિચારણા કરશે. ભારત અને ચીન જેવા દેશો દ્વારા ઇરાન પાસેથી તેલ આયાત ચાલુ રાખવા અંગે પણ ટ્રમ્પે કહ્યું કે, અમે જોઇશું. ઉલ્લેખનીય છે કે, પાછલા દિવસોમાં સુરક્ષા નિષ્ણાતોએ ભય વ્યક્ત કર્યો હતો કે, અમેરિકી તંત્રમાં બદલાતા રાજકીય સમીકરણો અને ભારતની વેપાર તથા ટેક્ષ નીતિઓ પ્રત્યે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા અંગત વિચારો વચ્ચે રશિયા સાથે એસ-૪૦૦ મિસાઇલ સુરક્ષા પ્રણાલીની ખરીદી બાદ આકરા સીએએટીએસએ પ્રતિબંધોથી છૂટ મળવાનું ભારત માટે સરળ નહીં હોય. આ એક્ટ ટ્રમ્પ તંત્રને રશિયા, ઇરાન અને ઉત્તર કોરિયા વિરૂદ્ધ આર્થિક તથા રાજકીય પ્રતિબંધોના માધ્યમથી તેમને નિશાન બનાવવાની સ્વાયત્તતા આપે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ તાજેતરમાં જ સીએએટીએસએનો ઉપયોગ કરીને એસ-૪૦૦ની ખરીદી અંગે ચીનના પ્રતિષ્ઠાનો પર પ્રતિબંધ લગાવ્યો હતો.