(એજન્સી) સિલચાર/આસામ, તા. ૨
મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસના સભ્યોને આસામના એરપોર્ટ પર જ રોકી દેવાયા હતા જ્યાં તેઓ રાજ્યના ૪૦ લાખ લોકોને નાગરિક યાદીના ડ્રાફ્ટમાંથી બહાર રખાયાનો વિરોધ કરવાના અભિયાન અંતર્ગત ગયા હતા. દિલ્હીમાં આક્રોશિત તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડેરેક ઓબ્રાયને કહ્યું કે, આઠ સભ્યોની ટીમને એરપોર્ટ પર પોલીસ અને કેટલાક અન્ય સભ્યો દ્વારા પકડીને રોકી દેવામાં આવ્યા હતા. આ નેતાઓમાં આગેવાન તરીકે ગયેલા સાંસદ સુખેન્દુ સેખર રોય સાથે પણ અપમાનજનક વર્તન કરવામાં આવ્યું જ્યારે મહિલા સાંસદોને પણ આઘાત લાગ્યો હતો. આ અંગે ડેરેક ઓબ્રાયને કહ્યું કે, આ તો સુપર ઇમરજન્સી છે, આ શું ચાલી રહ્યું છે ? સિલચર એરપોર્ટ પરના અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા સામે પાબંદી છે. બપોરે એક વાગે દિલ્હીથી રવાના થયેલી તૃણમુલ કોંગ્રેસની ટીમ સિલચરમાં સ્થાનિક લોકોને સંબોધવાની હતી. દેખાવકારો એરપોર્ટ પર એકઠા થયા હતા અને સૂત્રોચ્ચારો કરી રહ્યા હતા. આ માટે એરપોર્ટ મોટી સંખ્યામાં પોલીસ દળો પણ ખડકી દેવામાં આવ્યા હતા. એરપોર્ટ પરિસરમાં તમામ લોકો માટે આવવા-જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. આસામ માટે બહાર પડાયેલી રાષ્ટ્રીય નાગરિક યાદીનો મમતા બેનરજી અને તેમની પાર્ટીએ જોરદાર વિરોધ કર્યો છે. મમતા બેનરજી કહી ચૂક્યા છે કે, મતબેંકની રાજનીતિ કરવા માટે યાદીમાંથી લાખો લોકોને બહાર કરી દેવાયા છે સાથે જ તેમણે આ અંગે ‘ગૃહયુદ્ધ અને રક્તપાત’ની ચેતવણી પણ આપી છે.
આસામ એરપોર્ટ પર અટકાયત કરાયેલા તૃણમૂલ નેતાઓએ કહ્યું, ‘અમને માર મારવામાં આવ્યો’

આસામની રાષ્ટ્રીય નાગરિક યાદી બહાર પડાયા બાદ લાખો લોકોના નામ બાકાત રાખવાનો વિરોધ કરવા આસામની બે દિવસની મુલાકાતે પહોંચેલા તૃણમુલ કોંગ્રેસના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે, અટકાયત કરતા સમયે તેમને માર મારવામાં આવ્યો હતો. તૃણમુલ કોંગ્રેસના આઠ સભ્યોનું પ્રતિનિધિમંડળ નાગાંવ અને ગુવાહાટી ખાતે વિરોધ દર્શાવવા સિચલાર એરપોર્ટ પર બપોરે બે વાગ્યે પહોંચ્યું હતું. તેમાં છ સાંસદો સુખેન્દુ સેખર રાય, કાકોલી ઘોષ દાસ્તીદાર, રત્ના દે નાગ, નદિમુલ હક, અર્પિતા ઘોષ અને મમતા ઠાકુર તથા બંગાળના શહેરી વિકાસ મંત્રી ફીરહદ હકીમ અને ધારાસભ્ય મહુઆ મોઇત્રા આ પ્રતિનિધિમંડળનો ભાગ હતા. પાર્ટીના સાંસદ ડેરેક ઓબ્રાયને કહ્યું કે, અમારા પ્રતિનિધિમંડળની સિલચર એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી. લોકોને મળવાનો અમારો લોકતાંત્રિક અધિકાર છે આ તો સુપર ઇમરજન્સી જેવી સ્થિતિ બની ગઇ છે. સાંસદ રાયે આરોપ લગાવ્યો હતો કે, અમે જેવા સિલચર એરપોર્ટ પર ઉતર્યા કે તરત જ જિલ્લા અધિકારી અને પોલીસ દ્વારા અમને ઘેરી લેવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ મારી છાતીમાં માર્યું. પોલીસે કાકોલી ઘોષ દાસ્તીદાર, મમતા બાલા અને મહુઆ મોઇત્રા સાથે પણ બળજબરી કરી હતી. રાયે એવું પણ કહ્યું કે તેઓ હાર્ટ પેશન્ટ છે. બારાસાતના લોકસભા સાંસદ દાસ્તીદારે કહ્યું કે, પોલીસે અમારા સેલફોન ઝૂંટવી લીધા, તેઓએ મોઇત્રા, મમતા ઠાકુર અને મારી સાથે બળજબરી કરી, સુખેન્દુ રાયને પણ પકડીને લઇ જવાયા. રાયે કહ્યું કે, અમે ત્યાં સુધી અહીં બેસી રહીશું જ્યાં સુદી અમને બહાર જવા નહીં દેવાય. અમે પાર્ટીના આગામી આદેશની રાહ જોઇશું અને સંસદમાં વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવીશું. દાસ્તીદારે કહ્યું કે, જિલ્લા અધિકારીની હાજરીમાં અમને એક રૂમમાં બેસાડી દેવામાં આવ્યા હતા. તેઓ કારણ પણ દર્શાવી રહ્યા નહોતા. બીજી તરફ પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ દીલીપ ઘોષે કહ્યું કે, તેઓ મુશ્કેલી છે. તૃણમુલના સાંસદોને ત્યાં જવાનું કોણે કહ્યું હતું ? કોઇ ત્યાં ગયું નથી. તેઓએ પરત ફરી જવું જોઇએ.