(એજન્સી) તા.ર૮
તુર્કીએ કહ્યું હતું કે અમેરિકાએ અમારી સમક્ષ માગણી કરી છે કે અમે ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દઇએ પરંતુ અમે બંધાયેલા નથી કે અમે અમેરિકાનો આદેશ માનીએ. તુર્કીએ કહ્યું હતું કે તુર્કી ફક્ત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નક્કી કરવામાં આવતાં માપદંડોનું જ પાલન કરવા સંમતિ આપશે. તુર્કીના ઇકોનોમી મંત્રી નિહત ઝેબેક્સીએ બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમેરિકા દ્વારા ઈરાન મુદ્દે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી અમે બંધાયેલા નથી. હા ખરેખર, આ મુદ્દે અમે અમેરિકાનું અનુસરણ કરે તેના આદેશનું પાલન કરવાના નથી. તેમણે કહ્યું કે અમે ફક્ત અમારા દેશના હિતોની રક્ષા કરવામાં માનીએ છીએ. તેમણે કહ્યું હતું કે અમે અમારું વલણ જાહેર કરી દેવા માગીએ છીએ કે જેથી કરીને અમારા પાડોશી દેશે ચિંતા કરવી ના જોઇએ. તેમણે કહ્યું કે તુર્કી સમગ્ર વિશ્વમાં મુક્ત વેપારનો હિમાયતી છે અને અમે અન્ય દેશો સાથે મુક્ત વેપારને આગળ વધારવામાં જ માનીએ છીએ. નોંધનીય છે કે ઝેબેક્સીની આ ટિપ્પણી પણ એવા સમયે આવી છે જ્યારે અમેરિકાએ તેના સાથી દેશો પર દબાણ કરતાં કહ્યું હતું કે નવેમ્બર સુધીમાં ઇરાનમાંથી આયાત કરતાં ઓઇલને બંધ કરવામાં આવે. જોકે એક અમેરિકી અધિકારીએ એવો પણ ખુલાસો કર્યો હતો કે અમેરિકાએ આ મામલે કોઈ ઓફર પણ કરી નથી કે કોઇ વિકલ્પ પણ આપ્યો નથી. જોકે આ મામલે ઇરાનની મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇરાનના ઓઇલ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે આંતરરાષ્ટ્રીય ઓઇલ બજારમાંથી ઇરાનને હટાવી દેવું મુશ્કેલ જ નહીં અસંભવ છે. તેમણે કહ્યું હતું કે ગત વર્ષે જ ઇરાને લગભગ ર.૮ મિલિયન બેરલ ઓઇલ અને ગેસની દરરોજ નિકાસ કરી હતી. જોકે હવે આ આંકડો ર.પ મિલિયન બેરલ સુધી પહોંચી ગયો છે.