(એજન્સી) તા.૩૦
તુર્કીના વિદેશમંત્રી મેવલુત કોવાસોગ્લુએ કહ્યું હતુંં કે અમેરિકાએ તમામ દેશોને આગામી નવેમ્બર મહિના સુધીમાં ઇરાન પાસેથી ઓઇલની આયાત બંધ કરવાનો નિર્દેશ આપી દીધો છે ત્યારે અમે સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે અમે ઇરાન સાથેના સંબંધોને જાળવી રાખીશું. પરંતુ અમે અમેરિકાના નિર્ણયનું તથા ઇરાન સાથેના કરારોનું પણ આકલન કરી રહ્યાં છીએ. તુર્કીના વિદેશમંત્રી મેવલૂત કોવાસોગ્લુએ કહ્યું હતુંં કે મીડિયાને અમે જણાવી દીધું છે કે અમે ઇરાન સાથેના કોઇપણ પ્રકારના કરારનો અંત લાવવાના નથી. અમે અમેરિકા સામે પણ આ સ્પષ્ટ કરી દઇએ છીએ કે ઇરાન અમારો પાડોશી દેશ છે અને અમારા તેની સાથે કરારો યથાવત્ રહેશે. તેમણે તુર્કીના બ્રોડકાસ્ટર એનટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી હતી કે જો અમેરિકાનો નિર્ણય શાંતિ અને સ્થિરતા લાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યો હોત તો કદાચ અમે તેને ટેકો પણ આપ્યો હોત. પરંતુ અમે સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે અમે તેના તમામ આદેશનું પાલન કરવાના નથી. અમે તમારા સહયોગી છીએ એનો અર્થ એમ નથી કે અમે તમામ પ્રકારના તમામ નિર્ણયોનું પાલન કરીએ. તેમણે કહ્યું હતુંં કે ઇરાન અમારો સારો પાડોશી છે અને તેની સાથે અમારા અનેક કરાર છે. અમે તેની સાથેના વેપાર કરારનો પણ અંત લાવવાના નથી. કેમ કે અમને અન્ય દેશોએ પણ આવું જ કહ્યું છે. નોંધનીય છે કે અગાઉ તુર્કીના ઇકોનોમી મંત્રીએ અમેરિકાની આ માગને નકારી દીધી હતી કે ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવામાં આવે. અમેરિકા અંકારાને બાંધી શકે નહીં. બુધવારે જ નિહત ઝેબેક્સીએ કહ્યું હતુંં કે તુર્કી ફક્ત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા માપદંડોનું જ પાલન કરવામાં આવે છે તે કોઇ અમેરિકાના નિર્ણયને સ્વીકારવાનું નથી. તેમણે કહ્યું હતુંં કે ખરેખર તો અમે યુએનને જ ફોલો કરીએ છીએ નહીં કે અમેરિકાને. અમે અમારા રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપીશું. એટલા માટે અમે સ્પષ્ટ કરીએ છીએ કે અમારા પાડોશી મિત્ર દેશે ચિંતા કરવાની જરુર નથી અમે તેની પડખે ઊભા છીએ.